સુરતમાં દશેરાનો પર્વ માતમમાં ફેરવાયો, 8 મજૂર સાથે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી
ભટારની શાંતિવન મિલમાં આ ઘટના સવારે 8:30થી 9:00 વાગ્યાની આસપાસ બની હતી. લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે.
સુરત: શહેરમાં દશેરાનો પર્વ માતમમાં ફેરવાયો છે. ગિરધર એસ્ટેટ-2માં ગંભીર દુર્ઘટના સામે આવી છે. લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. વહેલી સવારે લિફ્ટમાંથી કામદારો નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટ તૂટતા એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. આ ઘટનાને પગલે ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છએ.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભટારની શાંતિવન મિલમાં આ ઘટના સવારે 8:30થી 9:00 વાગ્યાની આસપાસ બની હતી. લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે. જાણવા મળ્યું હતું કે, કારખાનામાં આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો, જેમાં લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ધડાકાભેર લિફ્ટ નીચે પડતાં આઠ કામદારમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાનાં મેયર હેમાલીબેન બોઘાવાળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો.