તેજશ મોદી/સુરત :ગુજરાતમાં જે રીતે વાઈબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગકારોને આકર્ષવાની પ્રિ-ઈવેન્ટની સાથોસાથ સુરતના ઉદ્યોગકારો માટે મહત્ત્વનો ગણાતો જેમ એન્ડ જ્વેલરી શો સ્પાર્કલ આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં યોજવા અંગે ચેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના એક્ઝિબિશન સ્પાર્કલમાં પ્રથમ વખત 50થી વધુ સ્ટોલમાં સિન્થેટિક ડાયમંડનું પ્રદર્શન યોજવામાં આવશે. ચેમ્બરના જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ એક્ઝિબિશન આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ઝિબિશનમાં 200 થી વધુ સ્ટોલ્સ હશે 
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાની સ્થિતિને જોતાં એક્ઝિબિટર્સને સારો પ્રતિસાદ મળી રહે એ માટે સ્પાર્કલનું આયોજન ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરી-2021માં કરવાનું આયોજન કરાયું છે. કોરોનાની ઉત્પત્તિ પછી વિવિધ દેશોમાં થતા જેમ એન્ડ જ્વેલરી શો ઓનલાઈન થઈ ચૂક્યા છે, ત્યારે ચેમ્બરનો સ્પાર્કલ એક્ઝિબિશન પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે. આ એક્ઝિબિશનમાં 200થી વધુ સ્ટોલ્સ હશે. હવે વિશ્વના વિવિધ બજારોમાં નેચરલની સાથો-સાથ સિન્થેટિક ડાયમંડની બહોળી માંગ છે. ત્યારે આ સેગમેન્ટને પણ લોકો સારી રીતે જોતા થાય અને સિન્થેટિક ડાયમંડ સેગમેન્ટની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવાની તક મળે એ માટે કોરોનાની સ્થિતિ વચ્ચે પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે. જેમાં સિન્થેટિક ડાયમંડના અંદાજે 50 સ્ટોલમાં પ્રદર્શન થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની એસઓપીને અનુસરીને આ બીટુબી એક્ઝિબિશન થશે. 


નાવડિયાનું કહેવું છે કે, લોકલ માર્કેટમાં ગેરસમજ છે એ દૂર કરીને તેનું પ્રમોશન કરવાનું કામ સુરતની એક ડાયમંડ કંપની મોટે પાયે કરી રહી છે. એ કંપનીના સિન્થેટિક ડાયમંડ પેવેલિયનમાં 16 સ્ટોલ હશે. આ સાથે અન્ય સેગમેન્ટના સ્ટોલ પણ હશે. નાવડિયાનું એવું પણ કહેવું છે કે નવેમ્બર 2019 માં ડાયમંડ કટીંગ પોલીસિંગનું એક્સપોર્ટ 692 મિલિયન ડોલર હતું. જે કોરોનાની મહામારી હોવા છતાં નવેમ્બર 2020માં 1165 મિલિયન ડોલર પહોંચ્યું છે. આમ એક વર્ષમાં 92 ટકાનો ગ્રોથ નોંધાયો છે. જે બતાવે છે ડાયમંડ સેકટરમાં હવે ફરી એક વખત તેજીનો માહોલ દેખાય રહ્યો છે. વર્ચ્યુઅલ એક્ઝિબિશનના ટ્રેન્ડ વચ્ચે ચેમ્બર દ્વારા 2021માં 5 એક્ઝિબિશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાન્યુઆરીમાં સી-ટેક્સ, ફેબ્રુઆરીમાં સ્પાર્કલ, માર્ચમાં હેલ્થ શો, એપ્રિલમાં એગ્રી અને ફૂડ તથા મે માસમાં એનર્જી શો કરવાનું આયોજન કરાશે.