સોશિયલ મીડિયા પર ધર્મનું જ્ઞાન પાથરતી સુરતની ભાવિકા બની પોપ્યુલર કિડ
આજના કળયુગમાં જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધુ કરી રહ્યા છે ત્યારે સુરતમાં માત્ર 11 વર્ષની ભાવિકાએ રામાયણના 108 અમૂલ્ય મોતી વીડિયો બનાવ્યા છે. એક મહિનામાં તૈયાર કરાયેલા આ વીડિયો હાલ લાખો લોકોને દીવાદાંડી રૂપ બની રહ્યા છે. જેને 1 લાખથી પણ વધુ લોકોએ નીહાળ્યા છે.
ચેતન પટેલ/સુરત :આજના કળયુગમાં જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધુ કરી રહ્યા છે ત્યારે સુરતમાં માત્ર 11 વર્ષની ભાવિકાએ રામાયણના 108 અમૂલ્ય મોતી વીડિયો બનાવ્યા છે. એક મહિનામાં તૈયાર કરાયેલા આ વીડિયો હાલ લાખો લોકોને દીવાદાંડી રૂપ બની રહ્યા છે. જેને 1 લાખથી પણ વધુ લોકોએ નીહાળ્યા છે.
બાળકો ધર્મના જ્ઞાનથી દૂર થઈ રહ્યાં છે
પ્રાચીન ભારતમાં શિક્ષણના અભ્યાસક્રમમાં ધર્મગ્રંથોનો સમાવેશ ફરજિયાત હતો અને એટલે જ તે સમયે બાળકો ધાર્મિક રીતે જોડાયેલા હતા અને ધર્મના રૂપે નૈતિક મૂલ્યોની સમજી તેનું આચરણ કરતા હતા. જો કે આજના સમયમાં બાળકો ક્યાંક ને ક્યાંક ધાર્મિક જ્ઞાનથી દૂર થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે રામાયણની કથા ખરેખર શું કહેવા માંગે છે તે અંગે 108 અમૂલ્ય મોતી નામના વીડિયો ભાવિકા માહેશ્વરીએ બનાવ્યા છે.
11 વર્ષની ભાવિકાએ આપ્યું રામાયણનું જ્ઞાન
લોકડાઉનના સમયગાળામાં ભાવિકાએ આખું રામાયણ વાંચ્યું હતું અને તેના વીડિયોની સીરીઝ બનાવી હતી. ઘણા લોકો રામાયણ વાંચ્યું હોવા છતાં તેને સમજી શકતા નથી. કારણ કે રામાયણ કે માત્ર ધાર્મિક પુસ્તક જ નથી. પરંતુ નીતિ, સામાજીક શાંતિ, વ્યક્તિગત ચારિત્ર્ય અને સમૃદ્ધિની કથા છે. તેમાં બધા પાત્રોએ પોતાના આચરણથી સમગ્ર વિશ્વને વ્યવહારુ જ્ઞાન આપ્યું છે. માત્ર 11 વર્ષની ઉંમરે ભાવિકાનું ધાર્મિક વિષયમાં ઊંડુ જ્ઞાન જોઈને વડીલો પણ અચંબિત છે. એટલું જ નહીં પોતે બાળક હોવા છતાં તેને સોશિયલ મીડિયા પર બાળકોની જવાબદારી વિશે પણ વીડિયો બનાવ્યા છે.
ભાવિકાને પહેલાથી જ ધાર્મિક જ્ઞાનમાં રસ રહ્યો છે - પિતા
પિતા રાજેશે કહ્યું કે, તેના દાદા-દાદી અને નાના-નાની ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જેથી પહેલેથી જ તેને ધાર્મિક જ્ઞાનમાં રસ રહ્યો છે. લોકડાઉનના સમયે જ્યારે ટેલિવિઝન પર રામાયણ ખૂબ પ્રચલિત થયું તે જોઈને તેને વિચાર આવ્યો કે રામાયણ જે મેસેજ કન્વે કરવા માંગે છે અને તેના પર તેને કામ કરવું જોઈએ. જેથી તેણે વીડિયો બનાવ્યા છે. અનેક કથાઓ પણ તેણે કરી છે અને લોકોના રિસ્પોન્સ જોઈને તેને હજી આગળ વધવાની પ્રેરણા મળી રહી છે. તે દરરોજ ૨-૩ કલાક આ વિષયમાં ફાળવે છે અને સ્પિરિચ્યુઅલ લીડર તરીકે કરિયર બનાવવા માંગે છે.