Surat News ચેતન પટેલ/સુરત : સુરતના લિંબાયત વિસ્તારમાં ઘરેલુ સંબંધોનો ઘાતકી રીતે અંત આવ્યો છે. આ વિસ્તારમાં બીજી પત્નીએ પતિની હત્યા કરી છે. લિંબાયત વિસ્તારનો અકિલ બીજી પત્ની સાથે રહેતો હતો. ત્યારે અકિલે પહેલી પત્ની શબાનાને મળવા જવાની વાત કરી હતી. જેથી બીજી પત્ની શબનમ સાથે આ મુદ્દે ઝઘડો થયો હતો. ઝઘડો થતાં અકિલ પર શબનમે હિંસક હુમલો કર્યો હતો. જેમાં અકિલનું મોત થતાં પોલીસે શબનમની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુનસાર, સુરતમાં બે પત્નીના ચક્કરમાં પતિએ  જીવ ગુમાવ્યો છે. શહેરના લિંબાયતમાં અકિલ શબ્બીર મણિયારે પહેલી પત્ની અને બાળકોને મળવા જવાનું કહેતા બીજી પત્ની શબનમ ઉશ્કેરાઇ ગઇ હતી. ગુસ્સામાં તેણે પોતાના પતિ ઉપર ચપ્પુ તેમજ લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા અકિલને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જેમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું  છે.


સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ રાવલ નગરમાં રહેતો અકિલ શબ્બીર મણિયારની બે પત્ની છે. ગત 29 નવેમ્બરના રોજ અકિલે કામ પરથી રજા પાડી હતી. આ મામલે બીજી પત્ની શબનમે પૂછ્યુ હતું કે, આજે શું કામ તમે રજા પાડી છે. ત્યારે પતિ અકિલે જણાવ્યું હતું કે મારી પહેલી પત્ની અને બાળકોને મળવા જવાનું છે. આ સાંભળીને જ બીજી પત્ની શબનમ ઉશ્કેરાઇ ગઇ હતી અને અકીલને કહ્યું કે, ‘તેરે કો મના કિયા હૈ ના, તેરી ઔરત શબાના કે ઘર જાને કે લિયે.’ તેમ કહીને અકિલને ચપ્પુના ઘા મારી લાકડાના ફટકા વડે પગના ભાગે માર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા અકિલને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનો ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.


સમગ્ર મામલે ઘટનાની જાણ લિંબાયત પોલીસને થતા ઘટનાની સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા અકિલ પહેલી પત્નીને મળવા જવાની વાત બીજી પત્ની શબનમને કરતા શબનમે એકાએક ચપ્પુના ઘા વડે અકિલ પર હુમલો કર્યો હતો. જ્યારે હુમલામાં છોડવાનો પ્રયાસ કરતા તેમના ઘરના ઓટલા પર જ સૂતો રહેતો સાદિક વચ્ચે પડ્યો હતો, ત્યારે શબનમે સાદિકને પણ મારવાનું કહ્યું હતું અને ઝપાઝપીમાં સાદિકને ચપ્પુ વાગી જતાં હાથમાં ઇજા થઇ હતી. આ મારામારી બાદ બાદમાં સાદીક ભાગી ગયો હતો અને પાછળથી શબનમ તેના પતિ અકીલને લાકડાના ફટકા વડે પગના ભાગે માર મારવા લાગી હતી. 


ઉલ્લેખનીય છે કે, અકિલની બીજી પત્ની શબનમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. લિંબાયત પોલીસ મથકે મારામારી સહિત અન્ય 12 ગુનાઓમાં પકડાઈ ચૂકી છે. હાલ લિંબાયત પોલીસે શબનમ વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.