ઝી બ્યુરો/સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારના સુમન વંદન-2 આવાસમાં પરિણીત પ્રેમીને મળવા રાજપીપળાથી આવેલી પ્રેમિકા સાથે ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે અંતર્ગત પ્રેમિકાએ ચપ્પુ વડે હુમલો કરતા મોંઢા અને પીઠના ભાગે ઇજાગ્રસ્ત થયેલા પ્રેમીએ ચપ્પુ છીનવી લઇ પ્રેમિકાને દસમાં માળેથી ધક્કો મારી નીચે ફેંકી દેતા પ્રેમિકાનું મોત થતા પ્રેમસંબંધનો કરૂણ અંત આવ્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે રાજપીપળાની યુવતીની દોઢ વર્ષ અગાઉ પરિણીત પ્રેમીના ભાઇ સાથે સગાઇ તૂટી ગઇ હતી અને ત્યાર બાદ તેઓ ઇન્સ્ટાગ્રામ થકી સંર્પકમાં આવ્યા હતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનેદે સીદ્દી હબીબાબાનુને દસમાં માળેથી નીચે ફેંકી દેતા મોત
શહેરના જહાંગીરપુરા વિસ્તારના સુમન વંદન-2 પ્રધાનમંત્રી આવાસમાં મંગળવારે બપોરના અરસામાં 28 વર્ષીય જુનેદ નૂરમોહમંદ બાદશાહ તેની 26 વર્ષીય પ્રેમિકા સીદ્દી હબીબાબાનુ ઐયુબ સિદ્દીક સાથે ગયા હતા. જયાં તેઓ એકાદ કલાક સુધી ફ્લેટમાં રોકાયા બાદ અચાનક તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ઉગ્ર બનતા તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જૂનેદે સીદ્દી હબીબાબાનુને દસમાં માળેથી નીચે ફેંકી દેતા તેણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 


પોલીસે ઘટનાની તાગ મેળવવાનો પ્રયાસ કર્યો
ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓના ટોળા એક્ઠા થઇ ગયા હતા. જયારે પ્રેમિકાના હુમલાથી ઇજાગ્રસ્ત જૂનેદ જાતે જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતા તુરંત જ જહાંગીરપુરા પોલીસ અને ઇન્ચાર્જ પીઆઇ અતુલ સોનારા સુમન વંદન-2 આવાસ ખાતે ઘસી ગયા હતા. પોલીસે ઘટનાની તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શરૂઆતમાં પ્રેમિકા આકસ્મિક રીતે પટકાય કે પછી પ્રેમીએ ફેંકી દીધી તે અંગેનું રહસ્ય ઘેરાય રહ્યું હતું. જો કે પોલીસે જૂનેદની આકરી પૂછપરછ કરતા તેણે ધક્કો માર્યાની કબૂલાત કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 


પ્રેમજાળમાં ફસાવી ઇરાદા પૂર્વક હત્યા
ઉલ્લેખનીય છે કે જૂનેદના નાના ભાઇ સાથે હબીબાબાનુની સગાઇ થઇ હતી. પરંતુ કોઇક કારણોસર દોઢ વર્ષ અગાઉ સગાઇ તૂટી ગઇ હતી. ત્યારબાદ હબીબાબાનુ ઇન્સ્ટાગ્રામ ઉપર જૂનેદના સંર્પકમાં આવી હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. રાજપીપળાથી મળવા આવેલી પ્રેમિકા હબીબાબાનુને મોતને ઘાત ઉતારનાર જૂનેદ બાદશાહના ભાઇ સાથે તેણીની સગાઇ થઇ હતી. પરંતુ કોઇક કારણોસર દોઢ વર્ષ અગાઉ હબીબાબાનુએ સગાઇ તોડી નાંખી હતી. ત્યારબાદ બંનેના પરિવાર વચ્ચે કોઇ સંબંધ ન હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હબીબાબાનુ અને જૂનેદ ઇન્સ્ટાગ્રામ થકી સંર્પકમાં આવ્યા હતા. જૂનેદ પરિણીત હોવા છતા હબીબાબાનુ સાથે પ્રેમસંબંધ હતા અને તેઓ અગાઉ પણ અનેક વખત મળ્યા હતા. તેવા સંજોગોમાં પ્રેમિકા સાથેના ઝઘડામાં હત્યા કરી કે પછી ભાઇ સાથે સગાઇ તોડી હોવાથી તેણીને પ્રેમજાળમાં ફસાવી ઇરાદા પૂર્વક હત્યા કરી હતી. 


આરોપીએ સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું
ઉલ્લેખનીય છે કે આ બનાવમાં શરૂઆતના સમયે મૃતક મહિલાએ આરોપી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાનું રટણ આરોપીએ રટ્યું હતું. જોકે બાદમાં પોલીસ તપાસ કરતા આરોપીએ સમગ્ર હત્યાનું કાવતરું રચી પોતાના બચાવમાં જાતે જ પોતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.