• ‘માસ્ક નહિ પહેરો તો દંડ નહિ થાય’ તેવી વાત સામે આવતાં સરકાર પણ સફાળી જાગી હતી અને સમગ્ર મુદ્દે તપાસ કરાવી હતી

  • પોલીસને આજે આ નિવેદનમાં સુધારો કરી સ્પષ્ટતા કરવી પડી હતી કે, દંડ નહિ પહેરો તો દંડ લેવામાં આવશે


તેજશ મોદી/સુરત :સુરતના નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં હંમેશા સપડાતા રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે તેમનો થયેલો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં જ તેઓ માસ્ક મુદ્દે ફરીથી વિવાદમાં આવ્યા છે માસ નહીં પહેરો તો પોલીસ અને મહાનગરપાલિકા દંડ નહીં વસૂલે તેવી જાહેરાત થઈ હતી. જોકે આ જાહેરાત ખરેખર સુરત શહેર પોલીસની હતી, પરંતુ સમર્થન આપીને જશ ખાંટવાના ચક્કરમાં સુરતના મેયર ભેખડે ભેરવાયા છે. સુરત શહેર પોલીસ પણ હવે ખુલાસા કરી રહી છે કે, માસ્ક નહિ પહેરો તો દંડ થશે જ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુખી છે ગુજરાતના આ 112 ગામડા, હજુ સુધી કોરોનાની એન્ટ્રી થઈ નથી


મેયરને સમર્થન આપવું ભારે પડ્યું 
સુરત શહેરમાં કોરોનાના કેસો દરરોજ 500થી વધુ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે, સતત હાથ સેનેટાઇઝ  કરતા રહે તે જરૂરી છે. જોકે લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરત શહેર પોલીસ દ્વારા ‘દંડ નહિ પણ માસ્ક પહેરો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ ગઈ કાલે સુરત પોલીસના એડિશનલ સીપી પ્રવિણ મલ દ્વારા ડીંડોલી વિસ્તારમાં લોકોને માસ્ક આપી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર હેમાલી બોધાવાલાએ આ સમર્થન આપ્યું હતું કે, હવે પોલીસ અને મનપા દ્વારા માસ્ક નહિ પહેરનાર વ્યક્તિ પાસેથી દંડની વસૂલાત કરવામાં નહિ આવે. પરંતુ  તેમને માસ્ક આપવામાં આવશે. આ બાદ સુરત શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. તો ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતાં. ‘માસ્ક નહિ પહેરો તો દંડ નહિ થાય’ તેવી વાત સામે આવતાં સરકાર પણ સફાળી જાગી હતી અને સમગ્ર મુદ્દે તપાસ કરાવી હતી. જોકે આ સમર્થન આપવું તેમને ભારે પડ્યું હતું. પરંતુ પોલીસને આજે આ નિવેદનમાં સુધારો કરી સ્પષ્ટતા કરવી પડી હતી કે, દંડ નહિ પહેરો તો દંડ લેવામાં આવશે.


આ પણ વાંચો : મહારાષ્ટ્ર જતા પહેલા વિચારી લેજો... સાગબારા હાઈવે પર ટ્રકચાલકોએ દેકારો મચાવીને ઓડિયો વાયરલ કર્યો   


પોલીસ કમિશનરે કર્યો ખુલાસો 
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોરોના સામે લડી રહ્યાં છે. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત છે, તેમ છતાં અનેક લોકો કોઇને કોઇ કારણસર માસ્ક પહેરતા નથી. ત્યારે સુરત શહેર પોલીસે તમામ લોકો માસ્કનું પહેરે તે માટે ‘દંડ નહીં પણ માસ્ક પહેરો’ અભિયાન શરૂ કર્યું છે. જેમાં સુરતની તમામ જનતા માસ્ક પહેરે તે પ્રયાસ કરવામાં આવશે. જેમની પાસે માસ્ક નહીં હોય તેમને માત્ર માસ્ક આપવામાં આવશે, જોકે એનો મતલબ નથી કે માસ્ક નહિ પહેરે તો દંડ લેવામાં નહીં આવે. આમ પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, રસ્તા ઉપર ફરતા વ્યક્તિ પાસે જો માસ્ક નહિ હોય તો તેને દંડ ભરવો પડશે. જોકે આ નિવેદન પણ ગૂંચવાડાભર્યું છે.