SURAT: રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ચલથાણ હોસ્પિટલની મુલાકાત લીધી
પલસાણા તાલુકાના ચલથાણ, બારડોલી અને બામણી ગામે વિવિધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ મુલાકાત લીધી હતી. સુરત જિલ્લાના ૧૩ સી.એચ.સી. અને ટ્રસ્ટ સંચાલિત છ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા અંગેની જાહેરાત પણ તેમણે કરી હતી.
સુરત : પલસાણા તાલુકાના ચલથાણ, બારડોલી અને બામણી ગામે વિવિધ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ મુલાકાત લીધી હતી. સુરત જિલ્લાના ૧૩ સી.એચ.સી. અને ટ્રસ્ટ સંચાલિત છ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા અંગેની જાહેરાત પણ તેમણે કરી હતી.
આરોગ્યલક્ષી સમસ્યાઓ ઉકેલવા સરકારે જનહિતને નજર સમક્ષ રાખી ત્વરિત નિર્ણયો કર્યા હોવાનું પણ મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું. આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ ''મારૂ ગામ, કોરોનામુકત ગામ' અભિયાન અંતર્ગત આજે પલસાણા તાલુકાના ચલથાણ ગામની સંજીવન આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ, બારડોલી તાલુકા મથકે આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલ સંચાલિત આઈસોલેશન સેન્ટર અને બારડોલીના બામણી ગામ સ્થિત ભુલા રામ સ્મારક હોસ્પિટલમાં ચાલતા ૨૫ બેડના ઓકિસજનની સુવિધા સાથે કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લિધી હતી. જ્યાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, બેડ, ઓક્સિજન સપ્લાય અને જરૂરી સંસાધનો અંગે જાતતપાસ કરી દર્દીઓના ક્ષેમકુશળ પૂછી ઝડપભેર સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. જયાં પણ રાજય સરકારના સહયોગની જરૂર હશે ત્યાં સહયોગ પુરો પાડવામાં આવશે તેવી હૈયાધરપત મંત્રીએ આપી હતી. આ વેળાએ મંત્રીના અધ્યક્ષસ્થાને બારડોલી નગરપાલિકા ખાતે અધિકારી-પદાધિકારીઓ સાથે કોરોનાને લગતી બેઠક પણ યોજાઈ હતી.
મંત્રીએ જણાવ્યું કે, ચલથાણની સંજીવની હોસ્પિટલએ આસપાસની અંદાજિત ૫૦ હજારની વસ્તી માટે આરોગ્યની સંજીવની સમાન સાબિત થઈ છે. કોરોનાના વિકટ સમયમાં દર્દીઓ માટે ખૂબ ઉપયોગી બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર પુરતા પ્રયાસો કરી રહી છે. ગામમાં બનાવવામાં આવેલા આઈસોલેશન સેન્ટરોનો હળવા લક્ષણોવાળા, શરદી, ઉધરસ કે તાવ ધરાવતા ગ્રામવાસીઓ લાભ લઈને કુટુંબ તથા ગામને કોરોનામુકત બનાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
બારડોલી તાલુકા મથકે આવેલી સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલના ૫૦ બેડના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઇને દર્દીઓને આપવામાં આવતી સારવાર-સુશ્રુષાની વિગતો મેળવી હતી. મંત્રીએ બારડોલી નગરપાલિકા ખાતે અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી અટકાવવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજય સરકારે કોરોના દર્દીઓ માટે બેડ, વેન્ટિલેટર, ઈન્જેક્શન, ઓક્સિજન સહિતની સુવિધાઓ મળે તે માટે અથાગ પ્રયાસો કર્યા છે. રાજયના ૩૪૮ સી.એચ.સી. સેન્ટરો ખાતે ઓક્સિજન પ્લાન્ટો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
જે પૈકી સુરત જિલ્લાના ૧૩ સી.એચ.સી. ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓના સહયોગથી જિલ્લાની છ જેટલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. ધારાસભ્યને ફાળવવામાં આવતી રૂ.૧.૫૦ કરોડની ગ્રાન્ટને કોરોના સારવારના સંસાધનો માટે ખર્ચ કરવા મંજુરી આપવામાં આવી છે. આરોગ્યલક્ષી કોઈ પણ સમસ્યાને ઉકેલવા અને જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યા સરકારે જનહિતને નજર સમક્ષ રાખી ત્વરિત નિર્ણયો કર્યા છે.
મંત્રીએ સૌ પદાધિકારીઓને પોતાના વોર્ડમાં જઈ લોકોને તબક્કાવાર રસીકરણથી લાભાન્વિત કરવા જણાવી શરદી-ખાંસી જેવા લક્ષણો જણાય તો સત્વરે તેમનો કોરોના ટેસ્ટ કરાવવા અંગે તકેદારી લઈને 'મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ' અભિયાન શરૂ કરવાનો અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખ સંદિપ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ, ડિસ્ટ્રિક્ટ બેન્કના પ્રમુખ નરેશ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, નગરપાલિકાના પદાધિકારીઓ અન્ય આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube