સુરત:નેશનલ વોલીબોલ ખેલાડી રોમિતનું શંકાસ્પદ મોત, 25 દિવસ પહેલા જ થયા હતાં લગ્ન
નેશનલ વોલીબોલ ખેલાડી રોમિત બુનકીનું અચાનક જ મોત થતા મોટો વિવાદ ઊભો થયો છે.
સુરત: સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. નેશનલ વોલીબોલ ખેલાડી રોમિત બુનકીનું અચાનક જ મોત થતા મોટો વિવાદ ઊભો થયો છે. રોમિત તાવમાં સપડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. પરિવારનો આક્ષેપ છે કે મહાવીર હોસ્પિટલમાં હતો ત્યારે સારવાર દરમિયાન તબીબની બેદરકારીના કારણે રોમીતનું મોત થયું.
મળતી માહિતી મુજબ ગોધરા કેમ્પ દરમિયાન રોમિત બિમાર પડ્યો હતો. તાવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સગરામપુરાની દેસાઈ શેરીમાં રહેતા આ વોલીબોલના નેશનલ ખેલાડી રોમિત( 26)ના હજુ 25 દિવસ પહેલા જ લગ્ન થયા હતાં. 17 એપ્રિલના રોજ તે વોલિબોલ કેમ્પ માટે ગોધરા ગયો હતો. જ્યાં તે તાવમાં સપડાતા ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરાયા હતાં. પરંતુ દુર્ભાગ્યે ડોક્ટર બહાર ગયા હોવાથી સંદેશાની આપલેથી પણ કોઈ ફરક પડ્યો નહીં. છેલ્લે રોમિતને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયો. જ્યાં બે દિવસની સારવાર બાદ તેનું મોત નિપજ્યું.
ઘરમાં લગ્નનો માહોલ હતો અને એવામાં રોમિતના મોતની ઘટનાએ પરિવારજનોને હચમચાવી નાખ્યા છે. આક્રોશમાં આવી ગયેલા પરિવારજનોએ મોટો આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે રોમિતનો જીવ ગયો છે.