ચેતન પટેલ/સુરત :કોરોનાકાળમાં સારવાર માટે જરૂરી ઈન્જેક્શનોની કાળાબજારી મોટાપાયે ચાલી રહી છે. જેમાં હવે હોસ્પિટલમાં કામ કરતા લોકોની જ સંડોવણી ખૂલી રહી છે. દર્દીઓ પાસેથી મંગાવાતા ઈન્જેક્શનોને બહાર વેચી દેવામાં આવે છે. ત્યારે સુરતમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર ઝડપાયો છે. ટોસિલિઝુમેબ (tocilizumab) ઈન્જેક્શનની કાળાબજારીમાં ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સનું કૌભાંડ ખૂલ્યું છે. જેમાં 40 હજારનું ઈન્જેક્શન 2.70 લાખમાં વેચવા નીકળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્સે 2.70 લાખમાં ઈન્જેક્શનનો સોદો કર્યો હતો 


સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂા.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. ત્યારે નર્સના પિતા ઈન્જેક્શન આપવા નીકળ્યા હતા. એસઓજી પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. સાગરિત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. 


ઈન્જેક્શનની ડિલીવરી આપવા પિતાને મોકલ્યા હતા 
ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથીરિયાએ 2.70 લાખમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો સોદો પાર પાડ્યો હતો. સોદો પાર પાડ્યા બાદ તેણે પોતાના પિતા રસિક કથીરિયાને ઈન્જેક્શનની ડિલીવરી માટે પોતાના પિતાને એક ખાનગી હોસ્પિટલની નીચે મોકલ્યા હતા. તેમની સાથે વ્રજેશ મહેતા નામનો શખ્સ પણ હતો. પરંતુ આ પહેલા જ એસઓસજી પોલીસે તેમને પકડી પાડ્યા હતા. 


તો ઉમરા પોલીસે આઈપીસીની કલમ 420, 114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3,7,11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 53 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટની કલમ 27 મુજબ ગુનો નોંધ્યો છે.