‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો
- સરકારે 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવાની સલાહ આપી છે. જોકે, તેને ફરજિયાત કરાયું નથી, ન તો વેક્સીન લેનારાઓ પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ છે. ત્યારે સુરત મનપાના કર્મચારીઓ આ રીતે કેમ રૂપિયા વસૂલે છે તે હજી જાણવા મળ્યુ નથી
ચેતન પટેલ/સુરત :હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વેક્સીનેશન લેવામાં લોકોમાં અવેરનેસ પણ જોવા મળી છે. જેમ ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈન લાગતી હતી, તેમ હવે વેક્સીન લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે સુરતમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં માસ્ક ન પહેરવા મામલે દંડ ફટકારાતો હતો, પરંતુ સુરતમાં વેક્સીન ન લેવા મામલે દંડ ફટકારાયો છે. સુરતમાં અડાજણના એક દુકાનદારને ‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને 1000 રૂપિયા દંડ ફટકારાયો છે. જોકે, વેક્સીન ન મૂકાવા માટે ફટકારાયેલ 1 હજારના દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
મહાનગર પાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરતના વેસ્ટ ઝોનના અધિકારી દ્વારા આ રસીદ આપવામાં આવી હતી. સુરત મનપા દ્વારા લોકોને જબરદસ્તીથી લોકોને વેક્સીન લગાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેનો પુરાવો સામે આવ્યો છે.
આ પણ વાંચો : બરફના ટુકડાને ગરદનના આ ભાગ પર મૂકો, 4 મિનિટ પછી જુઓ આશ્ચર્યજનક ફાયદા
સુરતમાં અડાજણ વિસ્તારમાં 45 વર્ષીય દિલીપ દુબે નામના શખ્સની પાનની દુકાન છે. બે દિવસ પહેલા સુરત મનપાના કર્મચારીઓ દિલીપ દુબેની દુકાને આવ્યા હતા. દિલીપ દુબેની દુકાન પર આવીને મનપાના કર્મચારીઓએ સવાલ કર્યો હતો કે, ‘વેક્સીન કેમ નથી લીધી.’ ત્યારે તેમણે વેક્સીન ન લેવાની વાત સ્વીકારી હતી. ત્યારે મનપાના કર્મચારીઓએ દિલીપ દુબેને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રસીદ જોઈને દિલીપ દુબે આશ્ચર્યમાં પડી ગયા હતા. આમ, સુરત મનપાના કર્મચારીઓ આ રીતે લોકોને લૂંટી રહ્યાં છે તેવી હકીકત સપાટી પર આવી છે.
મહત્વની વાત તો એ છે કે, સરકારે 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવાની સલાહ આપી છે. જોકે, તેને ફરજિયાત કરાયું નથી, ન તો વેક્સીન લેનારાઓ પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ છે. ત્યારે સુરત મનપાના કર્મચારીઓ આ રીતે કેમ રૂપિયા વસૂલે છે તે હજી જાણવા મળ્યુ નથી. કોના આદેશથી આ રીતે દંડ વસૂલવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : રસી સાથે સોનુ ફ્રી : ગુજરાતના આ શહેરમાં એક ઓફરથી વેક્સીન લેનારાઓની લાંબી લાઈન લાગી
ઉલ્લેખનીય છે કે, સુરતમાં વેક્સીન માટે લોકોમાં અવેરનેસ જોવા મળી છે. વેક્સીન સેન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રોજના 100 જ ટોકન આપવામાં આવે છે. જેથી બીજી તરફ, લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.