તેજશ મોદી/સુરત :દીકરા-દીકરીના લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના નામે છેતરપિંડી કરતા ઇવેન્ટ કંપનીના દંપતીની સુરત પોલીસની ઈકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી દ્વારા સુરત શહેરના કુલ 43 લોકો સાથે લગ્નનું આયોજન કરવાના નામે એડવાન્સ રૂપિયા લઈને બાદમાં વ્યવસ્થિત આયોજન ન કરી કુલ 2 કરોડ 12 લાખ 98 હજારની છેતરપિંડી કરાઈ હતી. સુરત ઇકો સેલમાં ફરિયાદ નોંધવામાં આવતા ઇકો સેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પ્રસંગ હોય એટલે ધામધૂમથી અને ભવ્ય રીતે આયોજન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેને લઈને લોકો આ રીતે લગ્નનું ભવ્ય આયોજન કરી આપનાર ઇવેન્ટ કંપનીનો સંપર્ક કરતા હોય છે અને ઇવેન્ટ કંપની દ્વારા મસમોટી રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક ભેજાબાજો આ ઇવેન્ટ કંપનીની આડમાં પણ લોકો સાથે છેતરપિંડી કરી જાય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. ઈકો સેલ પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈ દ્વારા દેસાઈ ઇવેન્ટ એન્ડ વેડિંગ મંત્રા નામની ઈવેન્ટ કંપની શરૂ કરાઈ હતી. આ કંપની મારફત શરૂઆતમાં તેમણે થોડા સારા આયોજનો કર્યા હતા. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી માલેતુજાર લોકોનો સંપર્ક કરીને તેમના દીકરા કે દીકરીનો લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાની વાત કરી એક બજેટ નક્કી કરતા હતા અને આયોજન પેટે એડવાન્સ રૂપિયા લઈ લેતા હતા. જો કે ત્યારબાદ વ્યવસ્થિત રીતે આયોજન ન કરી પરિવાર સાથે છેતરપિંડી કરતા હતા. 


આ પણ વાંચો : ભાજપના 40 સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે, પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર ભાડે લેવાયા


આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનેલા સુરતના મહિધરપુરા વિસ્તારના ધર્મેશ સાદડીવાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ભોપાળુ બહાર આવ્યું હતું. ધર્મેશ સાદડીવાળાના દીકરાના લગ્ન પ્રસંગે વર્ષ 2020 ના જાન્યુઆરી મહિનામાં દેસાઈ દંપતી સાથે લગ્નનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જે આયોજન પેટે પ્રતિક અને ખ્યાતિએ ધર્મેશભાઈ પાસેથી એડવાન્સ રૂપિયા લીધા હતા. ત્યારબાદ લગ્નના દિવસ સુધી યોગ્ય આયોજન ન કરી છેતરપિંડી કરી હતી. જે બાબતે ધર્મેશભાઈ દ્વારા એડવાન્સ આપેલા રૂપિયા પરત માગતા આ દંપતી દ્વારા તેમને ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા. 


ઈકો સેલના એસપી વીકે પરમારે જણાવ્યું કે, ધર્મેશભાઈ દ્વારા વારંવારની રૂપિયાની માંગણી છતાં આ દેસાઈ દંપતિ દ્વારા રૂપિયા પરત કરવામાં આવ્યા નહોતા. આખરે ધર્મેશભાઈએ સુરત પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ધર્મેશભાઈની જેમ અન્ય પણ 43 લોકોએ આ ઇવેન્ટ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ દંપતી વિરુદ્ધ નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદો જોવા મળી હતી. 


આ તમામ ફરિયાદોના આધારે થયેલી છેતરપિંડીનો આંકડો મેળવતા આ આંકડો કુલ 2 કરોડથી વધુનો થતો હતો. જેથી આ તપાસ સુરત પોલીસની ઇકો સેલને સોંપવામાં આવી હતી. ફરિયાદના આધારે ઇકો સેલે દેસાઈ ઇવેન્ટ કંપનીના સંચાલક એવા પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈની ધરપકડ કરી છે. આ ઇવેન્ટ કંપની સાથે સંકળાયેલ કેટરિંગ, ફોટોગ્રાફી સ્ટુડિયો, મંડપ વાળા તેમજ અન્ય સપ્લાય કરતી સંસ્થાઓ સાથે પણ આ રીતે છેતરપિંડી કરાઈ છે કે કેમ એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. તપાસને અંતે છેતરપિંડીનો આંકડો વધી શકે તેવી શક્યતા હાલ સુરત પોલીસે વ્યક્ત કરી છે.