24 કલાકમાં સુરત પોલીસે 2 લોકોને આત્મહત્યા કરતા રોક્યા, હેલ્પલાઈન પર ક્લાસ-1 અધિકારી કરશે કાઉન્સેલિંગ
- સુરત રાજ્યમાં પ્રથમવાર એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન (helpline) ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી.
- 24 કલાકમાં સુરત પોલીસ (surat police) દ્વારા બે લોકોના જીવ બચાવવામાં આવ્યા
ચેતન પટેલ/સુરત :સુરત રાજ્યમાં પ્રથમવાર એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઇન (helpline) ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેની ખાસિયત એ છે કે, તેમાં 6 અધિકારીઓ કલાસ વન અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ હેલ્પલાઇન શરૂ થયાના 24 કલાકની અંદર જ ગ્રામ્ય પોલીસે બે લોકોના જીવ બચાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું. 24 કલાકમાં સુરત પોલીસ (surat police) દ્વારા બે લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.
લોકોના આપઘાત કરતા રોકશે ક્લાસ-વન અધિકારીઓ
સુરતમાં લોકોને સ્યુસાઇડ કરતા રોકવા માટે હેલ્પલાઇન તો ચાલે જ છે. પરંતુ કલાસ વન અધિકારીઓ દ્વારા શરૂ અને તેમના થકી ચાલતી એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઇન રાજ્યમાં પહેલીવાર શરૂ કરવામાં આવી છે. જે રીતે હાલ બેકારી અને મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તે જોતા આપઘાતના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં જ સુરતમાં ઉપરાઉપરી આપઘાતના કેસો બની રહ્યા છે. જેથી હવે પોલીસ જાતે મેદાનમાં આવી ગઈ છે.અને આપઘાતો રોકવા લોકોની કાઉન્સિલિંગ અને લોકોને મદદ થઈ શકે તે હેતુથી એન્ટી સ્યુસાઇડ હેલ્પલાઈન ગ્રામ્ય પોલીસે શરૂ કરી છે.
આ પણ વાંચો : રવિવારના મહત્વના સમાચાર : લાંબા સમયથી અટકેલી દહેજ-ઘોઘા રોપેક્સ સેવા ફરી શરૂ થશે
કિસ્સો-1 : દોઢ કરોડના નુકસાન બાદ વેપારીને આત્મહત્યા કરતા રોક્યા
આ અંગે માહિતી આપતા સુરતના પોલીસ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે, આત્મહત્યા કરવી એ પણ એક પ્રકારની હિંસા જ છે. આ હિંસા અટકાવવા માટે જ અમે આ હેલ્પલાઇન શરૂ કરી છે. આ હેલ્પલાઇન શરૂ થઇ તેના 24 કલાકની અંદર જ બે વ્યક્તિઓના મદદ માટે મારા પર ફોન પણ આવી ગયા છે. જેમાં એક માંડવીના રહીશ, કે જેઓના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગતા દોઢ કરોડ નુકસાન થયું છે. તેઓએ જણાવ્યું કે, તેમની આખી જિંદગીની આખી બચત આગમાં બળી ગઇ છે. હવે તેમને જિંદગીમાં કોઈ રસ રહ્યો નથી. તેમને શાંતિથી સાંભળ્યા બાદ અમે તાત્કાલિક માંડવી પોલીસને જાણકારી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું છે. તેમને જે પણ તકલીફો છે, વીમા માટે પણ તેમને કોઈ તકલીફ પડતી હોય તો તે તકલીફોનુ નિવારણ જેમ બને તેમ જલ્દી થાય તે માટેના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે.
આ પણ વાંચો : રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
કિસ્સો-2 : બ્લડ ક્લોટની સમસ્યા ધરાવતા શખ્સને રક્ત પહોંચાડાયું
બીજા કિસ્સો જણાવતા તેઓએ કહ્યું કે, હેલ્પલાઈન પર એક ભાઈનો ફોન હતો કે તેમને બ્લડ ક્લોટની સમસ્યા છે. તો તેમના માટે અમે તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં વાત કરી અને તેમને તુરંત સારવાર મળી રહે અને બ્લડ મળી રહે તે સુવિધા કરી. આમ અમે 24 કલાકમાં જ બે વ્યક્તિઓના જીવ બચાવ્યા છે. વધુમાં આ હેલ્પલાઈનની ખાસિયત એ છે કે, જે પણ સ્યુસાઇડને લગતા પ્રશ્નો હશે તેનું કાઉન્સલીંગ ક્લાસ વન અધિકારીઓ પોતે જ કરશે અને આવનાર દિવસોમાં એનજીઓ અને કાઉન્સિલર દ્વારા લોકોને આત્મહત્યા કરવાથી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સુરત ગ્રામ્ય પોલીસે એન્ટી સુસાઈડ હેલ્પલાઇન નંબરમાં 4 ડીવાયએસપી અને એસપી સહિતનો નંબર જાહેર જનતાને આપ્યો છે. મહાત્મા ગાંધી જયંતીના રોજ આ નંબર જાહેર કરવામાં આવ્યા હતા.