ચેતન પટેલ/સુરત :સુરત જિલ્લામાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં હવેથી એ.એસ.આઈ થી લઈ નીચેના પોલીસ કર્મી એક એક ગામ દત્તક લેશે અને 15 દિવસે આ ગામના દરેક ઘરની મુલાકાત લેશે તથા રાત્રિ રોકાણ પણ કરશે. જિલ્લા પોલીસ દ્વારા આ અનોખી પહેલને સુરત પોલીસ ગામદૂત તરીકે ઓળખાશે. ગામમાં અંધશ્રદ્ધા દૂર કરવા, વિદેશથી તથા અન્ય રાજ્યમાંથી આવનાર લોકો પર પણ બાજ નજર રાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક પોલીસ કર્મી એક ગામ દત્તક લેશે
આ પ્રોજેક્ટ વિશે જિલ્લા એસપી ઉષા રાડા જણાવે છે કે, સુરત જિલ્લામાં ગ્રીષ્મા હત્યા કેસ અને નાની બાળકી પર રેપ વિથ મર્ડર કેસ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં આ ભયનો માહોલ ઓછો કરવા તથા ક્રાઇમ રેટમાં સતત ઘટાડો નોંધાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે અને આ પહેલનું નામ ગામદૂત આપવામાં આવ્યું છે. કોઈ પણ શહેર કે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે સ્થાનિક લોકો અને પોલીસ બંનેમાં સુમેળ અને મિત્રતા હોવી જરૂરી છે. જો આ બંને વસ્તુ હશે તો જ ક્રાઈમ રેટ પર લગામ ખેંચી શકાશે અને લોકોમાં ખાખી પ્રત્યે પ્રેમ લાવી શકાશે. 


આ પણ વાંચો : Petrol Diesel Price: સાડા પાંચ મહિના પછી ગુજરાતમાં ફરીથી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર


ગામ સાથે સીધો સંપર્ક કરશે પોલીસ કર્મી
આ પહેલ અંતર્ગત જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ થી માંડી તેમના નીચેના પોલીસ કર્મીએ પોતે એક એક ગામ દત્તક લેવાનું રહેશે. ગામને દત્તક લીધા બાદ દર 15 દિવસે આ ગામની મુલાકાત માટે જશે. જ્યાં ગામના સરપંચ સાથે મળી દરેક ઘરના સભ્યો સાથે મુલાકાત કરશે. તેમના આધારકાર્ડની તપાસ કરશે અને તેમની સાથે મિત્રતા કેળવશે. ગામમાં કોઈ પણ હિલચાલ જણાય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે તેવું આયોજન કરાયું છે. 


લોકોની સમસ્યા જાણશે ગામદૂત
સાથોસાથ ગ્રામ પંચાયત અથવા તો ગામના કોઈ પણ એક ઘરમાં પોલીસકર્મી રાત્રી રોકાણ કરે તેવું પણ આયોજન કરાયું છે. હવે કોઇપણ ગામમાં પોલીસકર્મી જશે તો તેઓને ખાખીવર્દીવાળા અધિકારી નહિ, પરંતુ લોકો ગામદૂત તરીકે બોલાવશે. પોલીસ ગામના દૂત બનીને દરેક ગામમાં જશે અને ગામના લોકોની પીડાઓ સમજશે. ખાસ કરીને બહેનો અને દીકરીઓની જે ફરિયાદો  પોલીસકર્મી તરીકે તો ખરી, પરંતુ ગામના દુત બની સાંભળશે. 


આ પણ વાંચો : બોર્ડની પરીક્ષાના ટેન્શને બે દિવસમાં બે વિદ્યાર્થીઓનો ભોગ લીધો, બંનેના હાર્ટ એટેકથી મોત


શેરડીના ખેતરમાં કામ કરતા શ્રમિકોનો રિપોર્ટ રખાશે
ક્રાઇમ કન્ટ્રોલની સાથે સાથે જ પોલીસ જો આ એક્ટિવિટી કરે તો ક્રાઈમ બનતા રોકી શકાશે અને પ્રિવેન્શન કાર્ય આ કાર્યક્રમ હેઠળ જોડાશે. દરેક પોલીસકર્મી જે તે શાળાઓ અને આરોગ્ય વિભાગ સાથે સંપર્ક અને ગામના તમામ આધારભૂત તલાટી, સરપંચ જેવા વ્યક્તિઓ સાથે કનેક્ટ થશે. દરેક પોલીસકર્મી ગામના એન.આર.આઇ સાથે પણ સંપર્કમાં રહેશે. વિદેશથી નવા કોણ આવ્યા છે તે અંગેની માહિતી મેળવશે. સાથે શેરડીના પાક સુરત જિલ્લામાં આવતા શ્રમિકોમાં કેટલા શ્રમિકો આવ્યા, કેટલા પરત ગયા છે અને કેટલા હાલ પણ ક્યાં છે તે સમગ્ર માહિતી પોલીસ મેળવશે. અનેકવાર શ્રમિકો જ્યાં પડાવ કરે છે ત્યાં પણ ક્રિમિનલ્સ આવીને રહેતા હોય છે. એ માટે પણ આ ઉપયોગી બની રહેશે. 


ગામ દૂતને ઈનામ પણ અપાશે
દર ચાર મહિનામાં ગામમાં ક્રાઇમ રેટ કેટલો ઓછો થયો છે તેની સમીક્ષા કરવામાં આવશે અને જે ગામદુત ક્રાઇમને અંકુશમાં રાખી શકશે તેમને પ્રોત્સાહન રૂપે ઇનામ સહિત સર્ટિફિકેટ આપવામાં આવે તેવું આયોજન ઓન કરાયું છે. સૌથી મહત્વનું ગામમાં અંધશ્રદ્ધા પણ જોવા મળે છે . ત્યારે એ ગામ માટે એનજીઓ સાથે મળીને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પ્રયાસ પણ કરશે.