કોરોના દર્દીનો મૃતદેહ રોડ પર રઝળતો મૂકીને હોસ્પિટલે તાળુ મારી દીધું
- હોસ્પિટલ દ્વારા વારંવાર સારવારના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા
- ભગવાન નાયકનો મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને તેઓએ હોસ્પિટલને તાળુ મારી દીધું
ચેતન પટેલ/સુરત :જેમ જેમ કોરોના વકરતો જઈ રહ્યો છે, તેમ તેમ લોકો માનવતાહીન બની રહ્યાં છે. એક તરફ એવા લોકો છે, જે માનવતા દાખવીને સેવા કાર્ય કરે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે મેડિકલ સુવિધાના નામે ઠગી રહ્યા છે. સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળી પડ્યો હતો. પાંડેસરમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકીને સંચાલકોએ તાળુ મારી દીધું હતું. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા કે, હોસ્પિટલનું બિલ ભરવા બાબતે તેમણે આ કૃત્ય કર્યું હતું. ત્યારે આ ઘટના બાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો : ભગવાન તારી પરીક્ષાઓમાં માણસ હાર્યો છે, ભરૂચની આગમાં ભૂંજાયેલા મૃતદેહોની ઓળખ પણ મુશ્કેલ
હોસ્પિટલ દ્વારા વારંવાર સારવારના નામે રૂપિયા માંગવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવાન નાયક નામના એક શખ્સને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો. તેમના પિતા ત્રિનાથ નાયકે કહ્યું કે, તેમણે પાંડેસરમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરને બતાવ્યું હતું. જ્યાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જોકે, હોસ્પિટલ દ્વારા વારંવાર સારવારના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જોકે, તેમ રૂપિયા આવ્યા છતાં તેમના પુત્રને સારુ થયું ન હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલ, અનેક શહેરોમાં વેચાયા અને દર્દીઓને અપાયા પણ....
મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને તેઓએ હોસ્પિટલને તાળુ મારી દીધું
આમ, હોસ્પિટલ દ્વારા વારંવાર રૂપિયા માંગવામાં આવતા હતા. જોકે, આખરે ભગવાન નાયક મૃત્યુ પામ્યા હતા. પરંતુ આ વચ્ચે હોસ્પિટલ માનવતા ભૂલી ગઈ હતી. ભગવાન નાયકનો મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને તેઓએ હોસ્પિટલને તાળુ મારી દીધું હતું. તો બીજી તરફ, આ દ્રષ્યો જોઈ નાયક પરિવાર હેબતાઈ ગયો હતો. આઘાત પામેલા પરિવારે પોલીસને બોલાવી હતી. જેથી હાલ પાંડેસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પરિવારે કહ્યું હતું કે, અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપીશું.
આ પણ વાંચો : કોરોનાના ત્રીજા વેવનો ખૌફ, વેક્સીનેશનના પહેલા જ દિવસે વેક્સીન લેવા લાઈનો લાગી