Surat News ચેતન પટેલ : સુરત મહાનગરપાલિકા હર હંમેશ કંઈક નવું કરી પોતે કરોડો રૂપિયાની કમાણી કરતું હોય છે. આ સાથો સાથ અવનવા પ્રોજેક્ટ પણ લાવી સમગ્ર દેશે દુનિયામાં પોતાનું નામ કરતી હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના નામે વધુ એક પ્રોજેક્ટ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. સુરત મહાનગરપાલિકા હવે શહેરમાં આવેલા તમામ શાકભાજી માર્કેટને આદર્શ શાકભાજી માર્કેટ બનાવવા જઈ રહી છે. હાલ સુરતની અંદર દસ એવા શાકભાજી માર્કેટ છે, જેની અંદર વેસ્ટ શાકભાજી અને ફળનો સદુપયોગ કરીને ખાતર બનાવવામાં આવે છે. જ્યાં એક તરફ ખાતરની અછત જોવા મળે છે. ત્યારે મહાનગર પાલિકા નવતર પ્રયોગ કરી રોજે હજારો વેસ્ટ શાકભાજી અને ફળથી બેસ્ટ ખાતર બનાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે વાત કરીએ તો, સુરત શહેરમાં 500થી વધુ અલગ અલગ શાક માર્કેટ આવેલી છે. આ દરેક શાક માર્કેટમાં રોજેરોજ હજારો કિલો વેસ્ટ નીકળતું હોય છે. સામાન્ય રીતે આ બગાડને ફેરિયાઓ અથવા સ્થાનિક લોકો કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ સુરત મહાનગરપાલિકાએ આ કચરો હવે પૈસા કમાવવાનું સાધન બનાવી દીધું છે. શહેરના 10 અલગ અલગ શાકભાજી માર્કેટમાં એક ખાસ મશીન મૂકી દેવામાં આવ્યું છે. આ ફર્ટીલાઇઝર મશીનના કારણે આ તમામ માર્કેટમાંથી નીકળતા શાકભાજી અને ફળના વેસ્ટેજનો ઉપયોગ કરી ખાતર બનાવવામાં આવે છે. 


રોજ હજારો કિલો વેસ્ટ નીકળે છે 
માર્કેટમાંથી રોજે હજારો કિલો વેસ્ટ નીકળે છે. આ વેસ્ટના નિકાલ માટે સુરત મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. હવે દરેક માર્કેટની અંદર 100 કિલોથી લઈને હજાર કિલોની કેપેસિટી ધરાવતા મશીન મૂકવામાં આવ્યા છે. આ ફર્ટિલાઇઝર મશીનના કારણે માર્કેટની અંદર જે પણ વેસ્ટ એકત્ર થાય છે તે માર્કેટની અંદર જ મૂકવામાં આવેલા મશીનમાં નાંખવામાં આવતા હોય છે અને માત્ર 24 કલાકમાં સારી ક્વોલિટીના ખાતર તૈયાર થઈ જાય છે. આ વેસ્ટનો સદુપયોગ કરવા માટે સુરત મનપાએ એજન્સીના માધ્યમથી અહીં મશીન મૂકી છે. જે ભીના કચરાને ઉચ્ચ ગુણવત્તાના ખાતરમાં પરિવર્તિત કરી દે છે. જ્યાં એક તરફ હાઈ ક્વોલિટીના ખાતર મળે છે, ત્યારે બીજી બાજુ માર્કેટની અંદર ગંદકી પણ થતી નથી. 24 કલાકમાં જે ખાતર માર્કેટની અંદર બની જાય છે તેને પ્રોસેસ કરવા માટે પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને પ્રોસેસ બાદ આ ખાતરની કિંમત 20 રૂપિયાથી લઈને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. 


પ્રોજેક્ટના સુપરવાઈઝર અભિષેક હિંગુ કહે છે કે, માર્કેટની અંદર આવા મશીન હોવાથી લેબર કોસ્ટ ઘટી જાય છે. શાકભાજી વેસ્ટ થાય છે તેને આપણે ફેંકી દઈએ છીએ, જેનો કોઈ વપરાશ થતો નથી તેનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે. ફેરિયાઓ માટે જે વેસ્ટ છે તે મનપા માટે બેસ્ટ છે. જેથી આ વેસ્ટ શાકભાજી માંથી બેસ્ટ ખાતર બનાવવામાં આવે છે. સાથે શાકભાજી વિક્રેતાને પણ આ વેસ્ટ ફેકવા માટે કંઈક જવું પડતું નથી.


મનપા દ્વારા માર્કેટમાં કમ્પોઝિંગ મશીન મુકવામાં આવ્યા છે. પહેલા શાકભાજી માર્કેટમાં ગંદકી જોવા મળતી હતી. કેટલી વખત કચરાની ગાડી આવતી ન હતી અને કચરાના ઢગલામાં આ રીતે વેસ્ટ પડેલો રહેતો હતો. પરંતુ જ્યારથી આ મશીન માર્કેટમાં લગાવવામાં આવી છે ત્યાંથી દરેક શાકભાજી વિગતાઓ પોતાનો વેસ્ટ આમ મશીનની અંદર નાંખી દે છે, જેને કારણે માર્કેટ પણ ચોખ્ખું રહે છે અને ગંદકી થતી નથી. હવે ખુદ ફેરિયાઓ દ્વારા જ સુકો અને ભીનો કચરો અલગ કરીને આ રીતે મશીનમાં નાખવામાં આવે છે. 


આ શાક માર્કેટમાં અંદાજીત સોથી વધુ દુકાનો આવેલી છે. જ્યાં 25 જેટલા જે માણસો છે તે કામ કરે છે રોજેરોજ આ તમામ દુકાનો માંથી નીકળતો વેસ્ટ એકત્ર કરવામાં આવે છે અને આ મશીનમાં નાખવામાં આવે છે. અંદાજિત 400 થી 500 કિલો જેટલો શાકભાજીનો વેસ્ટ નીકળે છે અને તેમાંથી રોજ રોજ ખાતર બનાવવામાં આવે છે.