તેજશ મોદી/સુરત :કોરોના સામેની લડાઈમાં સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કર્યું હતું, જેને કારણે લાખો એવા લોકો જે રોજીરોટી માટે અન્ય શહેરોમાં રહેતાં હતાં, તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતાં. સુરતમાં રહી રહેલા પરપ્રાંતના શ્રમિકો (migrants) ને બાદમાં તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતાં. જોકે હવે સુરતમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ત્યારે પાવરલુમ્સ ઉદ્યોગમાં કામ કરતાં કારીગરોને સુરત લાવવા ખાસ ટ્રેન દોડાવવાની માંગણી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન કરવાથી કોરોનાનું સંક્રમણ નહિ વધે તે ઉદ્દેશથી સમગ્ર દેશમાં લોકો જ્યાં છે, ત્યાં જ રહે તેવો આદેશ કરાયો હતો. લોકડાઉન દરમિયાન સૌથી વધુ મુશ્કેલી પરપ્રાંતિય શ્રમિકોને પડી હતી. કારણ કે, ધંધો રોજગાર બંધ થઈ જતાં તેમનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું હતું. ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં આવી સ્થિતિ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. સુરતમાં રહેતા લાખો પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન જવું હતું, જોકે ટ્રેનો બંધ હોવાને કારણે તેમને સુરતમાં જ રહેવું પડ્યું હતું. આવક બંધ થતા તેઓને ખાવાના ફાફા પડ્યા હતા. સુરતમાં એક તબક્કે શ્રમિકોને પોતાના વતન જવાનું ન મળતા પથ્થરમારા અને હિંસક ઘટનાઓ પણ બની હતી. સરકાર દ્વારા દેશભરના શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. સુરતમાં કાપડ ઉદ્યોગમાં કામ કરતાં લાખો શ્રમિકો ટ્રેન મારફતે પોતાના વતન જતા રહ્યાં હતા. પરંતુ કોરોના પર ધીમે ધીમે કાબૂ મેળવવાની પ્રક્રિયા શરુ થતા સરકારે અનલોકની શરૂઆત કરી વેપાર, ઉદ્યોગોને ફરી શરુ કરવા માટે મંજુરી આપી હતી. હીરા ઉદ્યોગમાં ગુજરાતમાં રહેતા જ રત્નકલાકારો હોવાથી સીધી કોઈ મુશ્કેલી આવી રહી નથી, પરતું કાપડ ઉદ્યોગમાં કામ કરાતા કારીગરો યુપી, બિહાર અને ઓરિસ્સાના છે, જે અહીં ન હોવાને કારણે કાપડ ઉદ્યોગ માત્ર 20 ટકા જ શરુ થઇ શક્યો છે. 


આ પણ વાંચો.... 


ચાર મહિના પહેલા કામદારોએ રડતા રડતા સુરત છોડ્યું હતું, માલિકોએ પ્લેન ટિકીટ મોકલીને પાછા બોલાવ્યા


આ વિશે ચેમ્બર ઓફ કોમર્સના કાર્યકારી પ્રમુખ દિનેશ નાવડિયા કહે છે કે, કાપડ ઉદ્યોગમાં પાવરલુમ્સ અને ડાઈંગ-પ્રિન્ટીંગમાં યુપી, બિહાર અને ઓરિસ્સા લોકો કામ કરે છે. યુપી બિહારથી ટ્રેનો શરૂ થઇ ચૂકી છે, જેને કારણે શ્રમિકોની સુરત આવવાની શરૂઆત થઇ ચૂકી છે, જોકે ઓરિસ્સાથી હજુ સુધી સુરત કે ગુજરાતની ટ્રેનો શરુ કરવામાં આવી નથી, જેને કારણે શ્રમિકો સુરત આવી શક્યા નથી. આ જ કારણ છે કે ઉદ્યોગકારોને ઉદ્યોગ શરૂ તો કરવો છે, પરંતુ કારીગરો ન હોવાથી પાવર લુમ્સ સેક્ટરમાં માત્ર ૨૦ ટકા જ કામ થઇ રહ્યું છે. કારીગરોનોને સુરત લાવવા સતત રજુઆતો કરવામાં આવી રહી છે. 


ચેમ્બર ઓફ કોર્મસ અને પાવર લુમ્સના ઉદ્યોગકારોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંન્ને રજુઆતો કરવાની શરૂઆત કરી દીધી છે, સાથે જ ઓરિસ્સાના મંત્રી સાથે પણ વાત કરવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે સુરતથી ઓરિસ્સા ગયેલા કારીગરોની હાલત ત્યાં પણ ખરાબ જ છે. નોકરી કે અન્ય રોજગાર ન હોવાને કારણે કારીગરો આથિક રીતે પાયેમાલ થઇ ગયા છે. ત્યારે કારીગરો સુરત આવે તો તેમનો જ ફાયદો છે.


તો બીજી તરફ, કેટલાક ઉદ્યોગકારો પોતાના કામદારોને પ્લેન તથા વાહનની વ્યવસ્થા કરી રહ્યાં છે. અનેક કંપનીઓએ પોતાના વાહનોને પ્લેન મારફત બોલાવ્યા છે. તેમજ કેટલાક પ્રાઈવેટ વાહનો દ્વારા પરત આવ્યા  છે, જેમનો ખર્ચ કંપની દ્વારા ચૂકવવામા આવ્યો છે. સુરતમાં કાપડ ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય એ જરૂરી છે.