ચેતન પટેલ/સુરત : એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે. આ વાતને સુરતની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ ૪ મહિનાના બાળકને પોલીસ સ્ટેશન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરીયાત મહિલા માટે પરિવાર,બાળકો અને ફરજ વચ્ચે સંતુલન જાળવવુ મુશ્કેલ હોય છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ અપેક્ષાબેન આ ત્રણેય ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે. ખાખી પ્રત્યેનો પ્રેમ અને બાળકો પ્રત્યેનું કર્તવ્ય નિભાવવા માટે તેમજ ઘરે તેમની સારસંભાળ રાખનાર ન હોવાને કારણે તેઓ દરરોજ પોતાના બાળકોને લઈને પોલીસ સ્ટેશન આવે છે. તેમને ૧૩ વર્ષ, ૮ વર્ષ અને સાડા ચાર મહીનાના દીકરા છે. તેઓ પોલીસ મથકના દરેક કાર્યો પણ કરે છે અને બાળકોની સંભાળ પણ રાખે છે. 


કોરોનાના બીજા ફેઝમાં પણ તેઓ ત્રણે બાળકોને પોલીસ સ્ટેશન લાવી બન્ને ફરજ અદા કરતા હતા. ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત પણ થયા હતા. પરંતુ ૧૪ દિવસ બાદ ફરીથી ફરજ પર હાજર થઇ ગયા હતા. તેમના પતિ સિટી બસમાં ડ્રાઈવર છે. તેઓ તેમના પિતાની જેમ સારા પોલીસકર્મી બનવા માંગે છે. મહિલા કોન્સ્ટેબલ અપેક્ષા કોટવાલે કહ્યું કે, મારે માટે ફરજ પ્રથમ સ્થાને છે અને હું સારી પોલીસ કર્મી બનવા માંગુ છું પરંતુ સાથે સાથે બાળકોની સારસંભાળ પણ રાખવા તત્પર છું. 


મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણે છે તેને અહીં જ પોલીસ સ્ટેશનમાં ભણાવું છું. પોલીસ ઈન્સ્પેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મને ખૂબ જ મદદ કરી છે એટલે જ બાળકોને પોલીસ સ્ટેશનમાં લાવવા શક્ય બન્યા છે. 


પી.આઈ. વી.યુ.ગરડીયાએ કહ્યું કે, ગર્ભાવસ્થાના સમયે પણ અપેક્ષાબેન સતત ૯ મહિના સુધી ફરજ પર હાજર રહ્યા હતા. મારે તેમને રજા લેવા માટે કહેવુ પડ્યું હતું. ત્રીજા બાળકના સમયે મેટરનીટી લીવ આપવામાં આવતી નથી. જેથી બાળકના જન્મના ૨૮ દિવસમાં જ તેઓ ડ્યુટી પર હાજર થયા હતા. અમે તેમના બાળકોને પોલીસ મથકમાં પરિવારની જેમ વાતાવરણ મળી રહે તે માટે બનતા તમામ પ્રયત્નો કર્યા છે. તેમના નાના બાળક માટે ઘોડીયા અને રમકડાની વ્યવસ્થા પણ કરી છે. તેમને નાઈટ ડ્યુટી આપવામાં આવતી નથી. 


પહેલા તેઓ પોલીસ સ્ટેશનના ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. ભારણ ઓછું કરવા તેમને બીજો વિભાગ અપાયો છે. તેઓએ દરખાસ્ત મૂકી હતી કે તેમને તેમના ઘર નજીકના મથકમાં ટ્રાન્સફર કરવામાં આવે જેને પોલીસ કમિશનરે માન્ય રાખી છે અને તેમને ટ્રાન્સફર પણ કરી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube