સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઉધનામાં ધારાસભ્યે જાહેરમાં જ શહેર પ્રમુખની બરાબર ઝાટકણી કાઢી નાખી. ધારાસભ્યએ આક્રોશમાં કહી દીધું કે અમારા વિસ્તારમાં સંગઠન બદલો, નબળું છે. મળતી માહિતી મુજબ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદની શરૂઆત થાય તે પહેલા જ ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પર કાળઝાળ થતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે અમદાવાદ રીવરફ્રન્ટ પર યોજાનારા કાર્યક્રમમાં બસની સંખ્યા માટે સંગઠનની બેઠક મળી હતી. તદઉપરાંત મારી માટી મારો દેશ કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. જો કે તે શરૂ થાય તે પહેલા જ ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ પર આક્રોશિત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે રોષ ઠાલવતા કહ્યું કે તમે અમારી પાસે બસની અને સંખ્યા માટે અપેક્ષા રાખો છો. પરંતુ સ્થાનિક સંગઠનમાં કોઈ રસ જ નથી. અમારા વિસ્તારમાં સંગઠનમાં જે લોકો છે તે કામ કરતા નથી. સંગઠન બદલવા માટે અમે ઘણીવાર કહ્યું પણ તમે તે બદલતા નથી અને અમારી પાસે સંખ્યાની અપેક્ષા રાખો છો. 


જો કે ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ નિરંઝન ઝાંઝમેરાએ સમસમીને બેસી જતા કહ્યું કે આપણે પછી વાત કરીશું. પણ ધારાસભ્ય તો જાણે માનવા તૈયાર નહતા તેમ કહ્યું કે જે સાચુ છે તે જાહેરમાં જ કહું છું. ત્યારપછી તેમણે અન્ય મહામંત્રી સાથે પણ ઉગ્ર ભાષામાં જ ચર્ચા કરી હતી. હવે આ સમગ્ર મામલાને લઈને જાહેરમાં જ ધારાસભ્યએ શહેર સંગઠન સામે સવાલ ઉઠાવતા ચર્ચાનો વિષય બની ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube