તેજશ મોદી/સુરત :સુરતમાં એક અજીબોગરીબ ઘટના બની હતી. સુરતમાં એક રીક્ષા ચાલકનું લાઈવ મોત (live death) કેમેરામાં કેદ થયું હતું. રીક્ષા ચલાવતા ચલાવતા અચાનક ચાલકને ખેંચ આવી હતી અને તે ઢળી પડ્યો હતો. જોકે, મોત આવે તે પહેલા તેણે રીક્ષા રોડની એક સાઈડ મૂકીને મુસાફરોને સુરક્ષિત રાખ્યા હતા અને રીક્ષા ઉભી રાખતા જ તે ઢળી પડ્યો હતો. રીક્ષા ડ્રાઈવરના લાઈવ મોતના CCTV ફૂટેજ હાલ સુરતભરમાં વાયરલ (viral video) થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત (Surat) ના ઉધના બસ ડેપો પાસે આ બનાવ બન્યો હતો. 33 વર્ષય યુનુસ ઈશાક શેખ રીક્ષા ચલાવવાનું કામ કરે છે. તેના પરિવારમાં બે ભાઈ, ચાર બહેનો છે. તથા તેના પિતા બીમારીમાં સપડાયેલા છે. યુનુસને પણ સુગર અને ખેંચની બીમારી હતી. પરિવાર ચલાવવા માટે તે રીક્ષા ચલાવવાનું કામ કરતો હતો. ત્યારે ઉધનાના બસ ડેપો પાસે તેણે કેટલાક મુસાફરોને પોતાના રીક્ષામાં બેસાડ્યા હતા. 



ચાલુ રીક્ષા દરમિયાન અચાનક તેની તબિયત લથડી હતી. તેને ખેંચ આવવાની શરૂઆત થઈ હતી. પરંતુ સમયસૂચકતા વાપરીને તેણે પોતાની રીક્ષાને ધીમી પાડીને રોડની એકસાઈડ મૂકી હતી અને અચાનક બ્રેક મારી હતી. બ્રેક મારતા જ તે રોડ પર ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ મુસાફરો રીક્ષામાંથી નીચે ઉતર્યા હતા અને રીક્ષાચાલકને ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘટના સ્થળે જ તેનુ મોત નિપજ્યું હતું. સારવાર મળે તે પહેલા જ 33 વર્ષીય યુવા રીક્ષા ચાલકે દમ તોડ્યો હતો. 


યુનુસ શેખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ (civil hospital) માં ખસેડાયો હતો. તો બીજી તરફ ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ, પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકનું દુખદાયક મોત નિપજ્યું હતું.