ચૂંટણી ટાંણે જ સુરતના વિવર્સે સરકાર સામે બાંયો ચઢાવી
સામી લોકસભા ચૂંટણી સમયે સુરતના વિવર્સ દ્વારા સરકાર સામે બાંયો ચઢાવવામાં આવી છે. વીજ ભાવોમાં વધારો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર વ્યાજ લેવાના મુદ્દે વિવર્સ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જોકે વિવર્સ એસોસિએશન દ્વારા સરકારને આ મુદ્દે અલ્ટીમેટમ આપી તાકીદ કરવામાં આવી છે કે ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવામાં આવે નહીં તો ચૂંટણીમાં ઉદ્યોગકારો નવાજૂની કરી શકે છે.
તેજશ મોદી/સુરત :સામી લોકસભા ચૂંટણી સમયે સુરતના વિવર્સ દ્વારા સરકાર સામે બાંયો ચઢાવવામાં આવી છે. વીજ ભાવોમાં વધારો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર વ્યાજ લેવાના મુદ્દે વિવર્સ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. જોકે વિવર્સ એસોસિએશન દ્વારા સરકારને આ મુદ્દે અલ્ટીમેટમ આપી તાકીદ કરવામાં આવી છે કે ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવામાં આવે નહીં તો ચૂંટણીમાં ઉદ્યોગકારો નવાજૂની કરી શકે છે.
સુરતના વીવર્સ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેપ્સના મુદ્દે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને કાપડ મંત્રાલય અને કાપડ મંત્રીને તથા ફાઇનાન્સ મિનિસ્ટરને સતત પત્રો પણ લખવામાં આવ્યા હતા. જોકે 8૦૦ કરોડની આસપાસની ક્રેડિટ પરત નહીં મળતા વિવર્સ દ્વારા હવે લોકસભાની ચૂંટણી સમયે બાયો ચડાવવામાં આવી છે. ગઈકાલે મળેલી બેઠકમાં સ્પષ્ટપણે સરકારને કહેવામાં આવ્યું છે કે, જો તેમના મુદ્દાનો ઉકેલ નહી આવે તો ચૂંટણીમાં તેનું પરિણામ જોવા મળશે.
આ વિશે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઔદ્યોગિક એકમોને અપાતી વીજળીના ભાવમાં 1 રૂપિયા અને 17 પૈસાનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ મુદ્દે પણ ઉદ્યોગકારો નારાજ છે. મોંઘવારીના ચક્કરમાં ફસાયેલા ઉદ્યોગકારો માટે વીજળીનો ભાવ વધારો વધુ આર્થિક નુકસાન કરાવનારો સાબિત થશે. ઉદ્યોગકારોએ સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો જલ્દીથી તેમનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં પોતાના મુદ્દાને લઈને લોકો વચ્ચે ઉદ્યોગકારો જશે અને તેનું જે પરિણામ આવે તે માટે સરકાર જવાબદાર રહેશે