ઈજિપ્તના મમીની જેમ સદીઓ સુધી સાચવી શકાય તેવી રાખડી સુરતમાં બનાવાઈ
Rakshabandhan Special : આ ખાસ રાખડી બનાવવા માટે દેશભરમાંથી ઓર્ડર આવે છે.
ચેતન પટેલ/સુરત :દરે વર્ષે રક્ષાબંધન પર નવી સ્ટાઈલની રાખડી આવતી હોય છે. પરંતુ આ વર્ષે સુરતીઓ રક્ષાબંધનના પર્વ પર આ વખતે ખાસ રાખડીઓ લઈને આવ્યા છે. આ વર્ષે ખાસ ડિઝાઇન કરેલી રાખડી માર્કેટમાં મૂકાઈ છે. આ એવી રાખડી છે જેને પેઢીઓ સાચવી શકાશે. આ રાખડી દ્વારા તમે ભાઈ-બહેન, નણંદ ભાભીના પ્રેમને વર્ષો સુધી સાચવી શકશો. તે એક ખાસ પ્રકારના કેમિકલ અને કિચનની કેટલીક વસ્તુઓને લઈને બનાવાઈ છે. ભાઈ સાથે ભાભી માટે પણ આ રાખડીઓ તૈયાર કરાઈ છે.
રક્ષાબંધનના પર્વ પર ખાસ પર્સનાલાઈઝ રાખડીઓની ડિમાન્ડ બજારમાં આ વખતે વધારે છે. ભાઈ સાથે ભાભી માટે પણ રાખડીઓનો સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે તો ભાઈ અને ભાભીના પ્રોફેશન મુજબ રાખડીઓ પર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. જે ખૂબ જ ફેન્સી લાગે છે. પરંતુ સુરતમાં નવા પ્રકારની રાખડી બનાવાઈ છે. જે આકર્ષક અને સુંદર હોવાની સાથો સાથ પેઢીઓ સુધી સાચવીને રાખી શકાય છે. કારણ કે તેને રેઝીન કેમિકલથી તૈયાર કરવામાં આવે છે.
રેઝીન કેમિકલથી તૈયાર કરવામાં આવેલી આ રાખડીમાં એલચી, લવિંગ, કોફી, સોપારી સહિત અન્ય વસ્તુઓ મૂકવામાં આવી છે, જે વર્ષો સુધી સાચવીને રાખી શકાય છે. રાખડીને ડિઝાઈન કરનાર અદિતિ મિત્તલ કહે છે કે, આ પર્સનલાઈઝ રાખડીયો પોતે આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરાવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં જે વસ્તુઓ પર્વ અને ખાસ ધાર્મિક પ્રસંગોમાં મહત્વ ધરાવે છે, તેવી વસ્તુઓ આ રાખડીમાં રેઝીન કેમિકલના માધ્યમથી મૂકાય છે. જેને વર્ષો સુધી યાદગાર બનાવીને રાખી શકાય છે.
અદિતિ કહે છે કે, એલચી, લવિંગ આ રાખડીમાં વાપરવામાં આવ્યા છે. કેટલીક રાખડી એવી છે. જેમાં કપૂર, સોપારી, ચોખા, આખી હળદર, ભુંગરાજ અને કોઈ કોફી લવર ભાઈ હોય તો તે માટે રીયલ કોફીના બીજ વાપરવામાં આવ્યા છે. આ પર્સનલાઈઝ અલગ અલગ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેની ખૂબ જ ડિમાન્ડ છે. માત્ર ભાઈ માટે જ નહિ, ભાભી માટે પણ રાખડીનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ ભાઈ સીએ હોય તો તેનો ઉલ્લેખ રાખડીમાં કરીએ છીએ. જો કોઈની ભાભી ડિઝાઇનર હોય તો તેની માટે મોતી, સેફ્ટી પીન, સળી જેવી નાની વસ્તુઓ રાખડીમાં જોવા મળે છે. આ ડિઝાઇન થકી ભાઈ અને ભાભી વચ્ચે રાખડી બાંધનારું સારું કનેક્શન બને છે.
આવી પર્સનલાઈઝ રાખડીના કારણે એક અલગ લેવલના ભાવનાત્મક રક્ષાબંધનની ઉજવણી થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ખાસ રાખડીઓ માટે ઓનલાઇન પ્લેટફોર્મથી દેશના અલગ અલગ રાજ્યોથી ડિમાન્ડ આવે છે. ખાસ કરીને હાલના દિવસોમાં દરેક વસ્તુઓમાં પર્સનલાઈઝ ડિમાન્ડ વધારે જોવા મળે છે. અને આ વખતે આ રક્ષાબંધન પર ખાસી ડિમાન્ડ પર છે. ખાસ કરીને જે સાત ચક્ર છે તેને લઈ પણ રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ રક્ષાબંધન પર બાંધ્યા પછી તેને જીવનભર સાથે રાખવા માટે ખાસ રેઝિન કેમિકલમાં આ વસ્તુઓ મૂકીને તૈયાર કરવામાં આવતી હોય છે, જે પેઢીઓ સુધી ચાલે છે. જેની કિંમત 150 થી લઈને 500 રૂપિયા સુધીની છે.