સુરતના મહિલા પીએસઆઈની દરિયાદિલી, અનાથ દીકરીઓ પર વરસાવ્યો પ્રેમ
Rakshabandhan Special : એક અનાથ આશ્રમની મુલાકાત લીધા બાદ મહિલા પીએસઆઈને વિચાર આવ્યો કે આ દીકરીઓ માટે પણ કંઈક કરવુ જોઈએ, અને શરૂ થયુ તેમનુ ભગીરથ કાર્ય
ચેતન પટેલ/સુરત :સુરતના ખાખી વર્દીની પાછળ એક સમાજ સેવિકા છુપાઈ છે. સુરતના મહિલા પીએસઆઈ શીતલ ચૌધરી સમાજસેવાના કાર્યો માટે ફેમસ છે. પહેલા તેમણે સુરતમાં વિધવા મહિલાઓ, દીકરી અને મહિલાઓને પગભર કરવા માટે જવેલરી બનાવતા શીખવાડી હતી, ત્યારે હવે ભાઈ બહેનના પવિત્ર પર્વમાં આ ગરીબ મહિલાઓની આવકમાં વધારો થાય તે માટે સલાબતપુરા અનાથ આશ્રમ ખાતે રાખડી બનાવતા શીખવાડવામાં આવે છે. આ બાળકીઓએ 1 હજાર જેટલી રાખડીઓ તૈયાર કરી છે. જેના થકી મળતી આવકને તેમના પર જ ખર્ચ કરવાનું નક્કી કર્યુ છે.
દરેક વ્યક્તિમાં હુનર હોય છે અને સમય આવ્યે તે બહાર આવે છે. માતાપિતા પણ બાળકોની આ સ્કીલને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ માતા-પિતા વગરના અનાથ બાળકોને યોગ્ય પ્લેટફોર્મ મળતુ નથી. આવા બાળકોની વાત કરવામાં આવે તો તેમને માટે ક્યાં તો તેમની સંભાળ લઈ રહેલ સંસ્થા પ્રયત્નો કરે છે અથવા સમાજસેવકો કરે છે. પરંતુ શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેકટર અને પુણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની જોડી સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઢીંકા ચિકા ચાર્લી હાઉસ (અનાથઆશ્રમ) ખાતે બાળકીઓને દર રવિવારના રોજ એકટીવીટી કરાવી તેમના હુનરને વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટિયન્સનો ઉપવાસ તૂટ્યો, ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મિક્સ કરીને વેચી
PSI શીતલ ડી. ચૌધરી અને તેમના બહેન કામિનીબેન ડી.ચૌધરી અલગ અલગ ક્રાફ્ટની વસ્તુઓ શિખવાડીને તેમને હાલની પરિસ્થિતિમાં તેમજ ભવિષ્યમાં પગભર થવા માટેની તૈયારી કરાવી રહ્યા છે. આ અનાથાશ્રમમાં ૫ વર્ષ થી લઈને ૧૮ વર્ષ સુધીની દિકરીઓ રહે છે. જેમાં કિશોરીઓને રાખડી બનાવતા શીખવાડી છે. આ અંગે તેમને જણાવ્યું હતું કે, મારી પોસ્ટિંગ જ્યારે સલાબતપુરામાં હતી સમયે ઝઘડાની ફરીયાદો આવતી હતી. જેને લઇને રુસ્તમપુરા વિસ્તારમાં મેં અને મારા બહેને વિધવાબહેનો, બાળકીઓ અને અન્ય મહિલાઓને જ્વેલરી બનવતા શીખવાડવાનુ નકકી કર્યું હતું. ફેબ્રિક તેમજ ઈમિટેશન જ્વેલરી નેકલેસ, બ્રેસલેટ જેવી વસ્તુઓ શીખવાડીને તેમને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પણ વાંચો : 1001 શિવલિંગ ધરાવતું ગુજરાતનું ચમત્કારિક મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ ખુદ પ્રકટ થયા હતા
આજે પણ તેઓ આ કામ કરે છે. તેના બાદ અમે 2021 માર્ચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અનાથ આશ્રમમાં ગયા હતા. ત્યાં મને વિચાર આવ્યો કે આ બાળકીઓ માટે કંઈક કરવું જોઈએ. જેથી અમે દર રવિવારે તેમને એક અલગ અલગ એક્ટિવિટી કરાવવાનું નકકી કર્યું. પ થી ૧૪ વર્ષ સુધીની બાળકીઓને અલગ અલગ ક્રાફટ શિખવાડ્યા છે. જ્યારે ૧૫ થી ૧૮ વર્ષ સુધીની ૧૦-૧૨ કિશોરીઓને રાખડી બનાવતા શીખવાડી છે
આ તમામ દીકરીઓ બેસિક રીતે શીખ્યા બાદ તેમણે પોતાના જ આઈડિયાથી જે રાખડીઓ બનાવી છે. તે લેટેસ્ટ ફેશનને અનુરૂપ છે અને અત્યંત સુંદર છે. ૧૦૦૦ થી પણ વધુ રાખડી તેઓએ બનાવી છે. જેનું અગામી દિવસોમાં એકઝીબિશન પણ રાખ્યું છે. તેમાંથી જે પણ રકમ આવશે તે બાળકીઓના ખાતામાં જમા કરવામાં આવશે.