ચેતન પટેલ/સુરત : સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ચાલતી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 21થી વધુ મહિલાઓને પકડી હતી. જન્મદિવસની પાર્ટીના નામે આ હોટલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી. અજાણી વ્યક્તિએ કરેલા કૉલના આધારે સુરતની ઉમરા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસમાં એવું સામે આવ્યું કે પકડાયેલી મોટાભાગની મહિલાઓ આવી કોઈ શરાબ પાર્ટીમાં ગઈ હોવાની વાતથી તેમના પરિવારજનો અજાણ હતા. મહિલાઓ પકડાઈ અને તેમના પતિ અથવા પરિવારજનોને જાણ થઈ તો તેઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે શરાબ પાર્ટીમાં જવા માટે આ મહિલાઓએ ઘરે અલગ અલગ બહાના કાઢ્યા હતા. કોઈએ ઘરે કહ્યું હતું કે, તે ફ્રેન્ડની જન્મદિવસની પાર્ટીમાં જાય છે. તો કોઈએ ફ્રેન્ડની મેરેજ એનિવર્સરીમાં જવાનું બહાનું બનાવ્યું હતું. મહિલાઓ પકડાતા પરિવારજનો પણ ચોંક્યા હતા.


જેની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલી તમામ મહિલાઓ સુરતના ગર્ભશ્રીમંત પરિવારની છે. મહિલાઓને શરાબની વ્યવસ્થા હોટલ તરફથી કરાઈ હતી કે પછી કોઈ અન્યએ કરી હતી તેની તપાસ પોલીસે શરૂ કરી છે. સાથે જ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે. 13 મહિલાઓનાં મેડિકલ ચેકઅપ કરાવાયા હતા. પોલીસે જ્યારે હોટલમાં દરોડો પાડ્યો, ત્યારે ઘણી મહિલાઓ તો શરાબના નશામાં એટલી ધૂત હતી કે પોતાના પગ પર ચાલી પણ શકતી ન હતી. મહિલા પોલીસકર્મીઓ આ શરાબી અને ધનકુબેર મહિલાઓના હાથ પોતાના ખભા પર મુકી તેમને પોલીસવાન સુધી લઈ ગયા હતા. રાત્રે તમામ મહિલાઓને નોટિસ આપી ઘરે મોકલાઇ હતી. પોલીસે કિટી પાર્ટીમાં દારૂ પીવાનો કેસ નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારે તમામ મહિલાઓને નોટિસ આપી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા ફરમાન કરાયું છે.


શું પાર્ટીમાં 41 મહિલાઓ હતી....
સુરતની શરાબ પાર્ટીમાં પોલીસ ચોપડે તો માત્ર 21 મહિલાઓ પકડાઈ હોવાનો ઉલ્લેખ છે, પણ જાણવા એવું મળ્યું છે કે ઓઈસ્ટર હોટલમાં 40થી વધુ મહિલાઓ શરાબ પાર્ટી માણી રહી હતી. હવે સવાલ એ છે કે શરાબ પાર્ટીમાં જો 40થી વધુ મહિલાઓ હતી તો માત્ર 21 જ કેમ પકડાઈ. પોલીસ જે ગેટથી અંદર આવી હતી તે ગેટ ઉપરાંત પાછળના ભાગે બીજો ગેટ છે. આ વાતની જાણ જે મહિલાઓને હતી. તેથી જ તેઓ હોટલના બીજા ગેટમાંથી ભાગવામાં સફળ થઈ હોઈ શકે છે. આ ઉપરાંત પોલીસના દરોડા વખતે નાસભાગમાં પણ કેટલીક મહિલાઓ હોટલમાંથી ભાગી છૂટી હોઈ શકે છે.