Surat News ચેતન પટેલ/સુરત : આજકાલ જેને જુઓ તે સોશિયલ મીડિયામાં વ્યસ્ત હોય છે. મોબાઈલની દુનિયામાંથી કોઈ બહાર આવવા માંગતા નથી. આવામાં સુરતના કેટલાક યુવાઓએ એવુ કરી બતાવ્યું છે, જે ભલભલાન ચોંકાવી દે. સુરતના યુવાઓનું એક ગ્રૂપ હાથમાં મંજીરા લઈને ભજન કરતા જોવા મળે છે. જેમ ગુજરાતમા ડાયરો થાય છે જ રીતે આ યુવાઓ કાર્યક્રમ યોજીને રૂપિયા એકઠા કરે છે, અને આ રૂપિયાનો ઉપયોગ વિધવા મહિલાઓને મદદ કરવા માટે કરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના શ્રી મારુતિ ધૂન મંડળ યુવા મંડળ સાથે 330 જેટલા યુવકો સંકળાયેલા છે.  આ યુવાઓ અલગ અલગ વિસ્તારોમાં જ્યારે નિઃશુલ્ક ભજન અને ધુન કરવા જાય છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય થઈ જાય છે અને સોસાયટીના તેમજ સ્થાનિક લોકો ભજન કરી રહેલા આ શિક્ષિત યુવાનો ઉપર નોટોની વરસાદ કરે છે ભજન અને ધુનના માધ્યમથી એકત્ર થયેલ આ રાશિને તેઓ દાન કરે છે. આ દાનની રકમમાથી 3800 થી પણ વધુ ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કીટ આપવામા આવે છે. 


કોઈની પાસેથી એક રૂપિયો પણ લેતા નથી, બધી રકમ દાન કરે છે 
આ ગ્રૂપના યુવકો કોઈ નાનાસૂના નથી. કોઈ ડોક્ટર છે, તો કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે તો કોઈ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ છે. કેટલાક તો કોલેજના યુવક છે. આ તમામ સમય કાઢીને ભજન કાર્યક્રમો કરવા જાય છે. જેમાં લોકો ડાયરાની જેમ તેમના પર પણ નોટોનો વરસાદ કરે છે. આ ગ્રૂપમાં કેટલાક સગીરો પણ છે, જેમને જોઈને મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અનેક લોકોને પ્રેરણા મળશે. સૌથી અગત્યની વાત છે કે આ ભજન-ધૂન કરવા માટે તેઓ કોઈની પાસેથી એક રૂપિયા લેતા નથી. 


આ રીતે યુવાનો ભગીરથ કાર્યમાં જોડાયા
શ્રી મારુતિ ધૂન યુવા મંડળની શરૂઆત 20 વર્ષ પહેલાં થઈ હતી. અંજનીપુત્ર હનુમાન મંદિરે આરતી કરવામાં આવતી હતી ત્યારે આરતીમાં નગાડા વગાડવા માટે બાળકો લાઈનમાં ઊભા રહેતા હતા. બાળકો હંમેશા ઉત્સાહિત રહેતા હતા કે નગાડા વગાડવા માટે તેમનો વારો આવશે. ત્યાંથી જ મારુતિ ધૂન મંડળની શરૂઆત થઈ. નગાડા બાદ તબલા અને મંજીરા લઈને બાળકો પહોંચી જતા હતા કોઈ ક્યાંક પણ શીખવા ગયા નથી. ત્યાં જ આપોઆપ બાળકોએ ધૂન અને ભજન શીખી લીધા. ત્યારબાદ દરેક પર્વ હનુમાન મંદિર પર ભજન ધૂન મોટા પ્રમાણ માં કરતા હતા. ઉત્સવ માટે રાશિ એકત્ર કરવા માટે દરેક અગિયારસ કોઈપણ સોસાયટીમાં ધૂન અને ભજન કરતા હતા. 20 વર્ષ પહેલા ધૂન અને ભજનથી તેઓ 201 રૂપિયા એકત્ર કરી લેતા હતા. સોસાયટીમાં ગંગાસ્વરૂપ બહેન રહેતા હતા તેમના પુત્ર ની શાળાની ફી ભરવાની હતી જે તેમની પાસે નહોતી. ગંગાસ્વરૂપબહેને આ મંડળી સાથે વાત કરી ત્યારે તેમને લાગ્યું કે મંડળ ઉત્સવ માટે ભજન કરી રાશિ એકત્રિત કરે છે તેઓ આ રાશિ માંથી તેમના બાળકની ફી માટે પૈસા આપશે તો પુત્ર પરીક્ષા આપી શકશે અને ત્યારથી ગંગાસ્વરૂપ બહેનો માટેની મદદની શરૂઆત આ મંડળ દ્વારા કરવામાં આવી..


મંડળનો એકમાત્ર હેતુ દાન
શ્રી મારુતિ ધૂન મંડળ યુવા મંડળના પ્રમુખ યોગેશભાઈ દુધાતે જણાવ્યું હતું કે, જે ગંગાસ્વરૂપ બહેનો છે અને નિરાધાર છે જેમને કોઈ આધાર નથી. તેમના નાના બાળકો હોય છે. એમને અમે અનાજ કીટનું વિતરણ કરીએ છે. 3800 થી પણ વધુ કીટ અમે આપી દીધી છે. મૂંગા અબોલા પશુ પક્ષીઓ ખાતે ઘાસચારાની પણ સેવા આપીએ છીએ. અમારી સાથે 330 જેટલા સભ્યો જોડાયેલા છે. જેમાં બિઝનેસમેન વકીલો , ડોક્ટર, એન્જિનિયર અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સામેલ છે.