મેરી કોમ વિશ્વ મહિલા બોક્સિંગની ફાઈનલમાં, ઐતિહાસિક છઠ્ઠા ગોલ્ડથી એક વિજય દૂર
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ.સી. મેરિકોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઉત્તર કોરિયાની કિમ હ્યાંગને સેમીફાઈનલમાં હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
નવી દિલ્હીઃ સ્ટાર બોક્સર એમ.સી. મેરિકોમ 10મી આઈબી વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાંચ વખતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મેરિકોમે સેમીફાઈનલમાં ઉત્તર કોરિયાની કિમ હ્યાંગને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.
દિલ્હીમાં ચાલી રહેલી આઈબી વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની ત્રણ અન્ય બોક્સર સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે. જેમાં લવલીના બોરગોહેન(69 કિગ્રા), સોનિયા (57 કિગ્રા) અને સિમરનજીત કૌર (64 કિગ્રા)નો સમાવેશ થાય છે.
સુપરમોમ તરીકે પ્રખ્યાત 35 વર્ષની એમ.સી. મેરિકોમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ છ મેડલ જીતનારી ભારતીય મહિલા છે. તેમના 6 મેડલમાં 5 ગોલ્ડ મેડલ છે. દિલ્હીમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપમાં પણ મેરિકોમનો મેડલ પાકો થઈ ગયો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપનો આ તેનો 7મો મેડલ હશે.
મણિપુરની મેરિકોમે ગુરૂવારે 48 કિગ્રામ વર્ગની સેમીફાઈનલમાં ઉત્તર કોરિયાની કિમ હ્યાંગને હરાવી હતી. મેરિકોમે આ મુકાબલો 5-0 (29-28, 30-27, 30-27, 30-27) પોઈન્ટથી જીત્યો હતો. મેરિકોમે આ અગાઉ કિમ હ્યાંગને એશિયન ચેમ્પિયનશિપમાં હરાવી હતી.
મેરિકોમે પોતાના વિજય બાદ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, "આ અગાઉ મેં વિયેટનામ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં કિમ હ્યાંગને હરાવી હતી. આથી હું તેની ચાલ વિશે જાણતી હતી. જોકે, એ મુકાબલો વન સાઈડેડ રહ્યો હતો. દરેક બોક્સર જ્યારે જીતે કે હારે છે ત્યારે તેમાંથી એક બોધપાઠ મેળવતો હોય છે. અમે અમારી નબળાઈઓ અને મજબૂતી, સંરક્ષણ અને એટેકિંગ ટેક્નિકની સમીક્ષા કરતા હોઈએ છીએ."