બોર્ડમાં ટોપર રહેનાર સુરતની રિશ્વી સંસારની મોહમાયાનો ત્યાગ કરીને દીક્ષા લેશે
- પહેલીવાર 1000 જૈન સાધુ સાધ્વીઓની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે
- રિશ્વીએ સમગ્ર સુરત શહેરમાં ધોરણ-10માં બીજા ક્રમાંકે અને 12માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
ચેતન પટેલ/સુરત :સુરતમાં જૈન સમાજમાં ઐતિહાસિક નોંધ લેવાય એવો એક દીક્ષા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. જેમાં બોર્ડના પરિણામમાં સુરતની ટૉપર રહેલી રિશ્વી શેઠ સંયમના માર્ગે ચાલીને દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા લેનાર રિશ્વી ધોરણ 10 અને 12 બોર્ડમાં શહેરમાં ટોપર રહી ચૂકી છે. રિશ્વી 1000 જૈન સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં દીક્ષા લેશે. જેની સમગ્ર જૈન સમાજમાં ઐતિહાસિક રીતે નોંધ લેવાશે.
ગત 20મી ફેબ્રુઆરી. 2020 ના રોજ વેસુના ઐતિહાસિક મેદાનમાં જ્યાં એકસાથે 77 દીક્ષા પ્રદાન કરાવી હતી. એ જ મેદાનમાં શનિવારે 20 વર્ષની સુખી-સંપન્ન ઘરની દીકરી રિશ્વી શેઠ દીક્ષા ગ્રહણ કરશે. રિશ્વી શેઠ બોર્ડમાં ધોરણ-10 અને 12માં સુરત શહેરમાં ટોપર રહી ચૂકી છે. હવે તે સંસારનો મોહ ત્યજીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. છેલ્લા 400 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 1000 જૈન સાધુ સાધ્વીઓની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે.
આ પણ વાંચો : ‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો
ધોરણ-10માં બીજા ક્રમાંકે અને 12માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
વાવતીર્થની નિવાસી રિશ્વી શેઠની દીક્ષા સુરીરામચંદ્ર અને સુરીશાંતિચંદ્ર સામ્રાજ્યના 18 આચાર્ય ભગવંતો, 1 ઉપાધ્યાય, 5 ઉપન્યાસ, 9 ગણિતવર્ય આદિ અને 1000 સાધુ-સાધ્વીની ઉપસ્થિતિમાં થશે. રિશ્વીએ સમગ્ર સુરત શહેરમાં ધોરણ-10માં બીજા ક્રમાંકે અને 12માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ટોપર હોવા છતાં રિશ્વીએ શૈક્ષણિક મોહનો પણ ત્યાગ કર્યો છે. દીક્ષા લેવા માટે પોતાના પરિવારજનોને નિષ્ઠાથી અને દ્રઢતાથી સમજાવ્યા હતા.
આ પણ વાંચો : ગાંધીનગર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, અવાજ કરતા 33 વાહનો જપ્ત કર્યાં
21મી ફેબ્રુઆરીના રોજ લેશે દીક્ષા
શુક્રવારે 19મી ફેબ્રુઆરીએ રિશ્વી શેઠ વેસુ વિસ્તારમાં વર્ષીદાન દ્વારા ધન ત્યાગ કરશે. શનિવારે 21મી ફેબ્રુઆરીના રોજ પ્રવચનકાર સોમસુંદર સુરીશ્વરજી મહારાજ, જીર્ણોદ્ધાર જ્યોતિધર મુક્તિ પ્રયાસ સુરીશ્વરજી મહારાજ સહિત અન્ય મહારાજના નિશ્રામાં આ દીક્ષા પ્રદાન મહોત્સવ ઉજવાશે.
જૈન ધર્મમાં દીક્ષાનું અનેરુ મહત્વ હોય છે. જેમાં સુરત શહેર દીક્ષા નગરી તરીકે ઓળખાય છે. અહીં અનેક લોકો વૈભવી લાઈફસ્ટાઈલ છોડીને સંયમના માર્ગને અપનાવતા હોય છે. ત્યારે સુરતમાં બે દિવસ પહેલા જ એક યુવતી પોતાના પિતાએ આપેલું વૈભવી જીવન ત્યજીને સંયમના માર્ગે નીકળી પડી છે. ડાયમંડ અને કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલ બિઝનેસમેનની દીકરી રેન્સીએ દીક્ષા લીધી છે.
આ પણ વાંચો : વરરાજાને લઈને ભાગી ઘોડી, જાનૈયા વચ્ચે થયેલી ફજેતીનો વીડિયો થયો વાયરલ