રત્ન કલાકારની આ દીકરી સુરતીઓ માટે અસલી હીરા જેવી છે, બોક્સિંગમાં નામ ચમકાવ્યું
- રિયાના બે સ્વપ્ન છે, એક દેશ માટે આંતરાષ્ટ્રીય સ્તર પર રમી ગોલ્ડ મેડલ લાવે અને બીજું અન્ય દીકરીઓને પોતાની જેમ બોક્સિંગ શીખવી તેમને સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર કરવું
ચેતન પટેલ/સુરત :સુરત શહેરના રત્ન કલાકારની દીકરી રાજ્ય માટે કોઈ અસલ હીરાથી ઓછી નથી. અનેક આર્થિક મુશ્કેલીઓ બાદ આ દીકરી બોક્સિંગમાં રાજ્યનું નામ રોશન કર્યું છે.અત્યાર સુધીમાં 14 જેટલા રાજયસ્તર અને રાષ્ટ્રીય મેડલ મેળવી ચૂકી છે. રિયાના બે સ્વપ્ન છે, એક દેશ માટે આંતરાષ્ટ્રીય સ્તર પર રમી ગોલ્ડ મેડલ લાવે અને બીજું અન્ય દીકરીઓને પોતાની જેમ બોક્સિંગ શીખવી તેમને સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર કરવું.
વિશ્વભરને હીરો ચમકાવી આપનાર રત્નકલાકારના ઘરની આ દીકરી જ્યારે હાથમાં બોક્સિંગ ગ્લોવ્સ પહેરે તો ભલભલા રીંગની બહાર થઈ જાય છે. હીરાનગરી સુરતની દીકરી રીયા ઉપાઘ્યાયે બોક્સીંગ ક્ષેત્રે કારર્કીદી બનાવવાનું નક્કી કર્યું, તેના બાદ માત્ર ચાર જ વર્ષમાં 14 જેટલા રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરના મેડલ મેળવ્યા છે. રિયા અગાઉ એથેલ્ટીકમાં હતી અને અચાનક તેને બોક્સિંગમાં રસ પેદા થયો હતો. આજે તે રાજ્યની શ્રેષ્ઠ પાંચ મહિલા બોક્સિંગ ખેલાડીઓમાં શામેલ થઈ ગઈ છે. આ સપના વિશે કદી તેણે કે તેના પરિવારે કલ્પના પણ કરી ન હતી. રીયાના પિતા હીરાની કંપનીમાં કારીગર તરીકે નોકરી કરે છે. માતા પિતા બોક્સિંગની દુનિયામાં ટોચની પ્લેયર બનવા માટે પ્રોત્સાહિત કરી છે.
આ પણ વાંચો : KBCમાં રાજકોટની રચના 3.20 લાખ જીતી, અભિનેત્રી હરમીત કૌરના રિયલ નામનો જવાબ ન આપી શકી
ચાર વર્ષ અગાઉ 17 વર્ષની રીયાએ બોક્સિંગની રીંગમાં પર્દાપણ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ પણ અનેક મેડલ મેળવી નોંધપાત્ર સફળતા મેળવી છે. રીયાએ ઓલ ઇન્ડિયા નેશનલ યુનિવર્સિટી, બે સીનીયર નેશનલ, બે નેશનલ સ્કુલ ગેઇમ્સ રમી રાષ્ટ્રીય સ્તરે નામ કાઢયું છે. પ્રિયા એક તરફ દેશ માટે આંતરરાષ્ટ્રીય બોક્સિંગ પ્રતિયોગિતામાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવવા માંગે છે. ત્યારે બીજી બાજુ એક કોચિંગ ઇન્સ્ટિટયૂટ શરૂ કરી મહિલાઓને બાળકીઓને સેલ્ફ ડિફેન્સ અને બોક્સિંગની ટ્રેનિંગ આપવા માંગે છે. જેની શરૂઆત તેણે કરી પણ લીધી છે. પોતાના વિસ્તારમાં રહેતી દીકરીઓ અને મહિલાઓને તે બોક્સિંગ શીખવાડે છે. જેથી તેઓ ખરાબ પરિસ્થિતિમાં સેલ્ફ ડિફેન્સ કરી શકે. રિયાની પાસે અનેક સર્ટિફિકેટ અને મેડલ્સ છે, જેને જોઈ તેમના માતા-પિતા ખુબ જ ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે. કારણ કે આર્થિક સંકળામણ વચ્ચે જ્યારે પણ તે નેશનલ રમવા ગઈ છે ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો માતા-પિતા દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ...તો ગુજરાતમાં બની શકે છે કોરોના વેક્સીન માટેનો કોલ્ટ સ્ટોરેજ પ્લાન્ટ
એક રત્ન કલાકારની દીકરી હોવાના કારણે અનેક મુશ્કેલીઓમાં પણ તેમના માતાપિતાએ બીજા પાસેથી મદદ લઇ તેના સપના પૂર્ણ કરવાની કોઈપણ કસર બાકી રાખી નહોતી. આજે તેઓ ગર્વથી કહી રહ્યાં છે કે તેમની દીકરી બોક્સિંગમાં નામ કમાવી રહી છે અને સાથે જ દીકરીઓને પણ સેલ્ફ ડિફેન્સ અને બોક્સિંગ શીખવાડી રહી છે.