સુરત : મટકી ફોડવા ચઢેલો યુવક નીચે પટકાતા બંને હાથમાં ફ્રેક્ચર, આખી ઘટનામાં કેમેરામાં કેદ થઈ
સુરતના કતારગામમાં જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમમાં એક યુવક મટકી ફોડવા માટે ઉપર ચઢ્યો હતો. પરંતુ બેલેન્સ નહિ રહેતા નીચે રોડ પર પટકાયો હતો, જેથી તેના બંન્ને હાથોમાં ઈજા પહોંચી હતી.
તેજશ દવે/સુરત :ક્યારેક ઉત્સવમાં કરવામાં આવતી મજા હેલ્થ માટે નુકસાનકારક બની જતી હોય છે. આવો જ એક કિસ્સો જન્માષ્ટમીના દિવસે સુરતમાં બન્યો છે. સુરતના કતારગામમાં જન્માષ્ટમીના મટકી ફોડ કાર્યક્રમમાં એક યુવક મટકી ફોડવા માટે ઉપર ચઢ્યો હતો. પરંતુ બેલેન્સ નહિ રહેતા નીચે રોડ પર પટકાયો હતો, જેથી તેના બંન્ને હાથોમાં ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ યુવકના બંન્ને હાથોમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેડ રોડ પ્રાણનાથ ખાતે જન્માષ્ટમીના તહેવાર પર મટકી ફોડ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ માટે સ્થાનિક યુવકોએ મટકી ફોડમાં ભાગ લીધો હતો. મટકી ફોડવા માટે યુવકો દ્વારા પિરામિડ બનાવવામાં આવ્યું હતું. ત્રણ થરના પિરામિડમાં સૌથી ઉપર પિયુષ પટેલ નામનો યુવક મટકી ફોડવા ઉપર ચઢ્યો હતો. તેણે મટકી ફોડી હતી. જોકે ત્યાર બાદ પિયુષનો પગ સ્લીપ થતાં તેણે પિરામિડ પર બેલેન્સ ગુમાવ્યું હતું. જેથી પિયુષ સીધો રોડ પર પટકાયો હતો.
રોડ પર પટકાયા બાદ સ્થાનિક લોકો પિયુષને પ્રાણનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતાં. જ્યાં તેના બંન્ને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના એટલા માટે મહત્વની છે કે, યુવકો મટકી ફોડવા માટે કોઈપણ પ્રોટેક્શન લીધા વગર ઉપર ચઢતા હોય છે. આવામાં અનેક ઘટના બની શકે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :