સુરેન્દ્રનગરમાં કસ્ટોડિયલ ડેથ, પ્રેમલગ્ન કરનાર યુવકના પિતાનું મોત, કુંવરજી બાવળિયા પરિવારજનોને મળ્યાં
સુરેન્દ્રનગરના સડલા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાનું પોલીસ પૂછપરછમાં મોતનો આરોપ...પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર..કુંવરજી બાવળિયાએ પરિવારજનો સાથે કરી મુલાકાત
મયુર સાંધી/સુરેન્દ્રનગર :રાજકોટ-સુરેન્દ્રનગરના મૂળીના સડલા ગામના પોલીસ પૂછપરછ દરમિયાન મોતનો મામલો ગરમાયો છે. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાને પોલીસ પૂછપરછમાં લઇ ગઇ હતી. જ્યાં પોલીસ પૂછપરછ દરમિયાન યુવકના પિતા દેવજી બાવળિયાનું મોત થયું હતું. જેથી રોષે ભરાયેલા મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ત્યારે કોળી સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળીયા મૃતકના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા.
પરિવાર સાથે મુલાકાત બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યુ કે, પરિવાર પાસેથી તમામ વિગત મેળવી છે. પરિવારે પ્રાથમિક ગુનો દાખલ કરવાની માગ કરી છે. રેન્જ IG અને સુરેન્દ્રનગર SP સાથે પણ મેં વાત કરી છે. ગૃહરાજ્ય મંત્રીને પણ સમગ્ર ઘટના અંગે વાત કરી છે. આ અંગે સુરેન્દ્રનગરના DySP તપાસ કરશે.
આ પણ વાંચો : નરેશ પટેલ હવે શું કરશે.... નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીનો મુદ્દો ફરી એકવાર ગુંચવાયો
સુરેન્દ્રનગરમાં પોલીસ પૂછપરછમાં વૃદ્ધનુ મોત થતા પરિવારમાં રોષ ફેલાયો છે. દેવજીભાઈનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈન્કાર કર્યો છે. પરિવારે આક્ષેપ કર્યો કે, દેવજી બાવળિયાને પોલીસે માર માર્યો હતો. પોલીસકર્મીઓએ માનસિક ત્રાસ આપી હત્યા કરી હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકામાં 22 એપ્રિલ, 2022 ના રોજ હિરલ નામની યુવતી અને અમિત બાવળિયા બંનનો સંપર્ક થયો હતો. હિરલ પરિણીત હતી. સોશિયલ મીડયા થકી બંને વચ્ચે પરિચય થયો હતો. અમિત હિરલને મળવા માટે ખંભાળિયા ગયો. જેમાં હિરલ દીકરીને મૂકીને અમિત સાથે જતી રહી. બાદમાં પોલીસ ફરિયાદ થઈ હતી. સડલા ગામે હિરલના પતિ દીકરીને લઈને પહોંચ્યા હતા. અમિતના પિતાને પોલીસે જાણ કરી હતી. અમિતના મિત્રએ પોલીસને જણાવ્યુ હતું કે, બંને લિવ ઇનમાં રહે છે.
આ પણ વાંચો : અરવલ્લીમાં ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી, 6 ના મોત
તો બીજી તરફ, ડીવાયએસપી દોશીએ જણાવ્યુ કે, દેવજીભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. એક તરફ પોલીસ કહે છે કે દેવજીભાઈને એટેક આવ્યો હતો. તો બીજી તરફ પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસના મારથી તેમનુ મોત થયું છે.