મયુર સાંધી/સુરેન્દ્રનગર :હિન્દુ શાસ્ત્રોમાં ભારતના અનેક સ્થળે ઘન છુપાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, તે વાત સત્ય છે કે અસત્ય તે કોઈ જાણતુ નથી. પણ આજે પણ કેટલાક લોકો આ ઘન શોધવાની લાલચ ધરાવે છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર (Surendranagar) ના જામવાડી ગામમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. ગામમાં આવેલા 1200 વર્ષ જૂના શિવલિંગમાં ખજાનો (treasure) છુપાયો હોવાની લાલચમાં તેને ખોદી નંખાયું હતું. ત્યારે ધનની લાલચમાં મંદિરને ખોદનારા આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે પકડી પાડ્યા છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયલાના શખ્સને ગુપ્ત ધનનુ સપનુ આવ્યુ હતું 


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જામવાડી શિવમંદિરમાં ગૃપ્ત ધન મામલે તોડફોડ કરાઇ હતી. તોડફોડ કરનાર પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કુલ 10 લોકોએ આ પ્લાન ઘડ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, સાયલાના ઢેઢુકીના અજીત પંચાળા નામના શખ્સે કહ્યું કે, ‘મને સપનુ આવ્યું હતું કે આ મંદિરમાં ગુપ્ત ધન છે.’ 


ધનની લાલચમાં મંદિરના નંદીને જ બહાર કાઢ્યો 


સુરેન્દ્રનગર LCB ટીમ sog અને સ્થાનિક પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજી પણ બીજા પાંચ આરોપી પોલીસ પકડથી દૂર છે. તમામ લોકોએ ગુપ્ત ધનની લાલચમાં સતત 4 દિવસ સુધી મંદિરમાં ખોદકામ કર્યું હતું. મંદિરના પ્રાંગણમાંથી નંદીને દુર કરી ખાડો ખોદ્યો હતો. શિવલિંગની નીચે પણ કેટલાક ખાડા ખોદ્યા હતા તેવુ ડીવાયએસપી એચ.પી દોશીએ જણાવ્યું. 


મંદિરમાં ખજાનો છુપાયો હોવાની લોકવાયકા 
રાજા સિધ્ધરાજના માતા મીનળદેવી યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેમણે અનેક શિવમંદિર, વાવો બંધાવેલી હોવાના પુરાવા ઇતિહાસમાં છે. ત્યારે તેમણે આ મંદિર બંધાવ્યું હોવાનું કહેવામાં આવે છે. પુરાતત્વ દ્વારા આ મંદિર રક્ષિત જાહેર કરાયું છે. ગુજરાતનું આ મંદિર પણ ગુપ્ત ધનની લોકવાયકાથી અજાણ્યુ નથી. આદિકાળથી મંદિરના શિવલીંગ કે પોઠિયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલે છે. મુઘલોના સમયમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આજે પણ ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરાયાનું મનાય છે.