નુતન ભેટ: મોરબીનો ઝૂલતા પુલ આજથી શરૂ, પહેલા જ દિવસે ફરવા માટે ભીડ ઉમટી પડી
મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા.
હિમાશું ભટ્ટ, મોરબી: ભારતમાં માત્ર જે જ ઝૂલતા પુલ છે જેમાંનો એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ છે અને આ પુલ છેલ્લા ઘણા મહિનાથી બંધ હતો જો કે, આજે નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગામડા સહિતના વિસ્તારમાંથી લોકો ત્યાં ઝૂલતા પુલ ઉપર પહેલા જ દિવસે ફરવા માટે ઉમટી પડ્યા હતા.
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે જો કે, પુલની જવાબદારી જયારે ટ્રસ્ટને આપવામાં આવી હતી ત્યારે આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેથી કરીને આજે નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે.
આ જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે થઈને ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને ઝૂલતા પુલને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે અને આગામી ૧૫ વર્ષ સુધી મેન્ટેનન્સ અને રીપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને પાલિકા અને સરકાર દ્વારા સોંપમાં આવી છે આજે આ પુલ ખુલ્લો મૂકવામાં આવતાની સાથે જ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube