ટોરેન્ટોઃ  કેનેડાથી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું શંકાસ્પદ મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. વિશય પટેલ નામનો 20 વર્ષીય યુવક શુક્રવારથી ગુમ થયો હતો. હવે બ્રાન્ડન પોલીસને તેની લાશ મળી આવી છે. આ મૃતક વિશય પટેલ હોઈ શકે છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ કેનેડાની પોલીસે કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે મળી આવી લાશ
ધ બ્રાન્ડોન સનના અહેવાલ પ્રમાણે બ્રાન્ડન પોલીસને રવિવારે સાંજે એક લાશ મળી આવી છે. આ લાશ ગુમ થયેલ વ્યક્તિ વિશય પટેલની છે, જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ મૃતદેહ શહેરની પૂર્વ દિશામાં અસિનીબોઈન નદી અને હાઈવે 110 બ્રિજ પાસે મળી આવ્યો હતો. વિશય પટેલ શુક્રવારે સવારથી ગુમ થયો હતો. આ 20 વર્ષીય યુવક ઘરના વીડિયો સર્વેલન્સમાં જોવા મળ્યો હતો. 


પોલીસે સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ
કેનેડામાં અભ્યાસ માટે ગયેલો વિદ્યાર્થી વિશય પટેલ ગત ગુરુવારથી કેનેડામાં ગુમ થયો છે. તે બે દિવસ પહેલા બ્રાન્ડેન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેની પોલીસ ફરિયાદ કરાઈ હતી. બ્રાન્ડેન પોલીસે તેના ગુમ થવા અંગે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ મૂકી હતી. 


ગત મહિને ભાવનગરના યુવકનું મોત થયુ હતું 
ગત મહિને કેનેડામાં મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી હતી. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પુત્રના નિધનના સમાચાર મળતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર સાત દિવસ પહેલાં કેનેડાના ટોરન્ટોથી ગુમ થયો હતો. કેનેડાની ફેમસ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આયુષ ડાંખરા સાત દિવસ પહેલા ગુમ થયો હતો અને ત્યાર બાદ તેની લાશ મળી આવી હતી. આયુષ ડાંખરા મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની રમેશભાઈ ડાંખરાનો પુત્ર હતો. રમેશભાઈ ડાંખરા હાલ પાલનપુર ખાતે DYSP તરીકે ફરજ બજાવે છે. આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. આયુષ ગત તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને આયુષ ગુમ થયો હોવાની જાણ કરી હતી. તેમ જ તેના મિત્રો એ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube