ઝી ન્યૂઝ/બ્યુરો: સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, તેમ છતાં પ્રવાસન સ્થળો કે કોઈ જાહેર સ્થળોએ સેલ્ફીના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોયા છે. આવો જ એક કિસ્સો દિવ (Diu) ના નાગવા બીચ (Nagoa Beach) પાસે સામે આવ્યો છે. જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. નાગવા બીચ (Nagoa Beach) પાસે સેલ્ફી લેવાના ચક્કરમાં સુત્રાપાડાના યુવાનનો પગ લપસ્યો હતો અને જેના કારણે તે દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મિત્રો સાથે દીવના નાગવા બીચ ફરવા આવેલા 38 વર્ષીય સુત્રાપાડાના યુવાનનું દરિયામાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આંધ્ર પ્રદેશનો યુવક દુર્ગા પ્રસાદ વેંકટરાવ ગેરડી સૂત્રાપાડાની કંપનીમાં નોકરી કરતો હતો અને રજાઓના દિવસોમાં તે મિત્રો સાથે ફરવા બીચ પર આવ્યો હતો.


નાગવા બીચમાં મિત્રો સાથે દરિયામાં ન્હાવા ગયા ત્યારે સેલ્ફી લેવાની ઘેલજાએ યુવકે જીવ ગુમાવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવક સેલ્ફી લેતો હતો ત્યારે દરિયાના પ્રચંડ મોજાએ થપાટ મારતા તેનો પગ લપસ્યો હતો અને જોતજોતામાં તે દરિયામાં ડૂબી ગયો હતો.


યુવક દીવમાં ડુબી જતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક વોટર સ્પોર્ટ્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. દરિયામાંથી બહાર કાઢીને યુવકને 108 દ્વારા દિવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પી.એમ અર્થે મોકલ્યો છે. તેમજ આગળની  કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube