સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮: સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે, સોમનાથ મંદિરને આઇકોનિક સ્થળનો એવોર્ડ
આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ-ગ્રામીણ ૨૦૧૮ની સમગ્ર કામગીરી હેઠળ સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર દેશમાં પાટણ જિલ્લાનો ચોથો ક્રમાંક, જેમાં વેસ્ટર્ન રીઝનમાં પાટણ જિલ્લાને બીજો ક્રમાંક અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
અમદાવાદ: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં તા.૧ ઓગસ્ટ ૨૦૧૮ થી તા.૩૧ ઓગસ્ટ ૨૦૧૮ દરમિયાન કેન્દ્ર સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વતંત્ર એજન્સી દ્વારા થર્ડ પાર્ટી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૮ હાથ ધર્યુ હતું.
આ સર્વેક્ષણ દરમિયાન રાજ્યમાં (૧) સમગ્ર સર્વેક્ષણની સૂચવ્યા મુજબના તમામ માપદંડોમાં યોગ્ય કામગીરી માટે તેમજ (૨) સામાન્ય લોકોના સ્વચ્છતા અંગેના પ્રતિભાવના પરિપ્રેક્ષ્યમાં એમ બંને માપદંડોમાં ગુજરાતને સમગ્ર દેશમાં બીજો ક્રમાંક જ્યારે વેસ્ટર્ન રીજીયનમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. બંને માપદંડોમાં રાષ્ટ્રકક્ષાએ પ્રથમ ત્રણમાં રહેનાર ગુજરાત એક માત્ર રાજ્ય છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ટ્રસ્ટ મંદિરને આઇકોનિક સ્થળ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), ગ્રામ વિકાસ કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ-ગ્રામીણ ૨૦૧૮ની સમગ્ર કામગીરી હેઠળ સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર દેશમાં પાટણ જિલ્લાનો ચોથો ક્રમાંક, જેમાં વેસ્ટર્ન રીઝનમાં પાટણ જિલ્લાને બીજો ક્રમાંક અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
જ્યારે સ્વચ્છ સર્વેક્ષણ-ગ્રામીણ ૨૦૧૮ હેઠળ સમગ્ર સર્વેક્ષણના સૂચવ્યા મુજબના તમામ માપદંડોમાં યોગ્ય કામગીરી માટે દેશના પ્રથમ ૫૦ જિલ્લામાં ગુજરાતના કુલ ૧૪ જિલ્લાઓનો સમાવેશ થયો છે, જે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવા માટે જરૂરી માપદંડો અને તે મુજબ ગુણ નક્કી કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેના વિવિધ માપદંડોમાં ગામના મુખ્ય પાંચ સ્થળોની સમગ્ર સ્વચ્છતા, ગ્રામજનોના અભિપ્રાય, ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના અભિપ્રાય, યોજનાકીય Online MIS પ્રોગ્રેસ તેમજ સમગ્ર રાજ્યમાંથી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ બાબતે સામાન્ય જનતાના ઓનલાઇન એપ પરના નોંધવાના થતાં પ્રતિભાવો જે સમગ્ર સર્વેક્ષણનું મુખ્ય પાસું હતું.
વિવિધ સિદ્ધિ બદલ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના હસ્તે ગુજરાતના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કમિશનર અને સચિવ તેમજ પાટણ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટરએ એવોર્ડ મેળવ્યો હતો. સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ સૂચિત સમય ગાળામાં તમામ જિલ્લાઓમાં હાથ ધરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૮ના પરીણામો નવી દિલ્હી ખાતે આયોજીત સમારોહમાં જાહેર કરવામાં આવ્યા હતા.