40 વર્ષથી ચાલે છે સેવાનો મીઠો સ્વાદ: આ કંદોઈ ભિક્ષુકોને મોઢું મીઠું કરાવીને કરે છે બોણી
છેલ્લાં 40 વર્ષથી પ્રદીપભાઇ જોષીએ એ સેવામાં ફેરફાર કર્યો છે અને સવારથી સાંજ-રાત કોઇ પણ ભિક્ષુક આવે કે કોઇ રખડતા-ભટકતા મસ્તરામ આવે તો એની ઇચ્છા પડે એ મીઠાઇ એને માંગે એટલા પ્રમાણમાં આપે છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભુજની ડાંડા બજારમાં શ્રીનાથજી સ્વીટ્સ નામની દુકાન છે. આ દુકાન 75 વર્ષથી જૂની છે. મૂળ માલિક જયંતીલાલ રતનશી જોશી અને છેલ્લાં 40 વર્ષથી તેમના જમાઇ પ્રદીપ ઇશ્વરલાલ જોષી આ દુકાન સંભાળે છે. જયંતીભાઇ જોશીનો નિયમ હતો કે રાત્રે દુકાન વધાવે ત્યારે વધ-ઘટ હોય એ ગરીબોને આપી દે, પરંતુ છેલ્લાં 40 વર્ષથી પ્રદીપભાઇ જોષીએ એ સેવામાં ફેરફાર કર્યો છે અને સવારથી સાંજ-રાત કોઇ પણ ભિક્ષુક આવે કે કોઇ રખડતા-ભટકતા મસ્તરામ આવે તો એની ઇચ્છા પડે એ મીઠાઇ એને માંગે એટલા પ્રમાણમાં આપે છે.
ભિક્ષુકોને મીઠાઈ આપીને કરે છે બોણી
પ્રદીપભાઇ જોષી સવારે દુકાન ખોલે અને પ્રથમ ગ્રાહક અનેક વાર કોઈ ભિક્ષુક જ હોય છે અને સેવા કરીને બોણી કરે છે. સવારે ગરમા ગરમ બુંદી, જલેબી, મોહનથાળ, સાટા વગેરે સામે રાખેલા હોય અને વારાફરતી સમય મુજબ મસ્તરામો અને ભિક્ષુકો આવે અને પોતાની બોડી લેંગ્વેજમાં ભિક્ષુકપણાની કોઇ નિશાની ન હોય એ પોતાનો હક્ક લેતો હોય તેમ વટથી ઊભો રહે અને પોતાની ઈચ્છા મુજબ જોઈએ એટલી માત્રામાં મીઠાઈ લઈ નીકળી જાય.
દિવસભરમાં 50થી 60 ભિક્ષુકો આવે
દુકાનમાં સવારથી રાત્રિ સુધી 50થી 60 મસ્તરામ અને ભિક્ષુકો આવે છે, પણ દિવસમાં એક જ વાર આવે, બીજીવાર નહીં. સતત ચહલ-પહલ વચ્ચે આવેલી આ મીઠાઇની દુકાન પર દિવસ દરમ્યાન એક મોહનથાળ, બે લાડુ, એક ગગન, એકાદ સાટો, છૂટી બુંદી, ગાંઠિયા, સેવ આવી બધી જ વાનગીઓ લેનારો એક મોટો વર્ગ છે જેની જેવી ઇચ્છા હોય તે પ્રમાણે અહીંથી વાનગીઓ પડીકામાં બંધાવીને લઈ જાય અને પોતાના અંતરના આશીર્વાદ આપતા જાય.
સેવાભાવી દુકાનદાર
પ્રદીપભાઇ જોષીએ આ સેવા અંગે Zee media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મૂળ આ દુકાન તેમના સસરાની પણ 40 વર્ષથી તેઓ આ સંભાળે છે અને આ ગરીબ-મસ્તરામ સાથે જામી ગયું છે જે કોઈ પણ ભિક્ષુક આવે તેને જોઈએ એટલા પ્રમાણમાં મીઠાઈ આપે છે.
આ અંગે એમના મિત્રો શું કહે છે
આ સેવા પાછળનો મુખ્ય હેતુ તેમના મનને સંતોષ મળે છે એટલો જ છે. અને ભિક્ષુકોના સંતોષથી તેમની કમાણીમાં બરકત આવે છે. પ્રદીપભાઇ સ્પષ્ટ જણાવે છે કે તેઓ ગરીબોનો ખ્યાલ રાખે છે તેથી કુદરત તેમના ગ્રાહકો દ્વારા તેમનો ખ્યાલ રાખે છે.જે દિવસે વધારે દાન કરવામાં આવે છે તેના બીજા દિવસે તેમને મોટા ઓર્ડરો મળતાં હોય છે. ઉપરાંત દુકાનમાં બનતી તમામ મીઠાઇઓ વનસ્પતિ ઘી અને તેલમાંથી બનાવવામાં આવે છે.
40 વર્ષમાં કોઇ પણ ગ્રાહકને કોઇ આડઅસર નથી થઈ. તેઓ ભિક્ષુકોને મીઠાઇઓ આપે છે એવો કોઇ પણ જાતનો અહમ તેમને નથી.તેઓ માને છે કે ભિક્ષુક વર્ગ કે જે પોતાની ઇચ્છા સંતોષવા માટે મીઠાઈ ખરીદીને ખાઇ શકતો નથી, બોલીને હાથ લંબાવીને માગતા શરમાય છે તેમની સેવા કરવા માટે તેઓ માત્ર નિમિત્ત બન્યા છે અને તેમને જોઈને અન્ય લોકો પણ સેવા માટે પ્રેરિત થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube