ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહ
હવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
જયંતી સોલંકી, વડોદરાઃ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલ ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ડિજિટલ અરેસ્ટનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ ઝડપાયું હતું. જેમાં વડોદરામાં પણ ડાર્કરૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. વડોદરામાં દર મહિને ચારથી પાંચ કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે મોટાભાગના લોકો આવા કિસ્સાઓમાં ફરિયાદ કરતા પણ નથી. જોકે આ કિસ્સાઓમાં ડિજિટલ અરેસ્ટથી બચાવવા માટે પોલીસે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવા માટે પણ જણાવ્યું છે.
90 ટકા કિસ્સાઓમાં મહિલાઓને સોફ્ટ જ ટાર્ગેટ બનાવે છે
આ સ્કેમના પહેલા પાર્ટમાં સૌથી પહેલા ટાર્ગેટ મહિલા કે પુરુષને કોલ આવે છે કે, તમે જે ઈન્ટરનેશનલ પાર્સલ બુક કરાવ્યું છે, તેમાં ડ્રગ્સ પકડાયું છે એટલે તમારે તુરંત જ બોમ્બે કે દિલ્હી એરપોર્ટ પર આવવું પડશે નહીતર 6 કલાકની અંદર પોલીસ તમારા ઘરે આવીને તમને પકડી જશે અને તમારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વ્યક્તિ એમ જણાવે કે, મે કોઈ પાર્સલ બુક જ કરાવ્યુ નથી, તમારી પાસે ડેટા ખોટો છે તો તેને આધારકાર્ડનો ઉપયોગ કરીને આ ઓર્ડર થયો છે, એવુ જણાવીને તેને ડરાવવામાં આવે છે. જો તમે નહી આવો તો પોલીસ તમારા ઘરે આવશે. કોલ કરનાર વ્યક્તિએ કસ્ટમ ઓફિસરનો વેશ ધારણ કરેલો હોય છે અને તમામ વાતચીત વીડિયો કોલના માધ્યમથી જ કરે છે.
જો ભોગ બનનાર વ્યક્તિ પોતાની કુરિયર ન મંગાવ્યાની વાત પર જ અડગ રહે તો અહીંથી સ્કેમનો બીજો પાર્ટ શરુ થાય છે. વ્યક્તિને પ્રેશર કરી તેને જવાબ લખવા માટે કહેવામાં આવે છે અને આ કોલ સાયબર ક્રાઈમને ટ્રાન્સફર કરવામાં આવે છે એવુ કહેવામાં આવે છે. સ્કેમના આ પાર્ટમાં નકલી સાયબર ક્રાઈમ પોલીસ ઓફિસરની એન્ટ્રી થાય છે. આ નકલી ઓફિસર વ્યક્તિ પાસે એક અનઅધિકૃત લિંકના માધ્યમથી સ્કાઈપ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે છે અને તેમાં પહેલેથી જ બનાવેલા યુઝર આઇડી અને પાસવર્ડથી લોગઈન કરાવે છે અને જ્યાં સુધી ઇન્ટ્રોગેશન પૂરું નથી થતું ત્યાં સુધી તેને સ્કાઈપ ચાલુ રાખવા માટે જણાવે છે.
જો હજુ પણ ભોગ બનનાર વ્યક્તિ કુરિયર ન બનાવવાની વાત પર અડગ રહે તો સ્કેમનો ત્રીજો પાર્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે છે. સ્કેમના આ પાર્ટમાં EDને કોલ ટ્રાન્સફર કરવામાં આવે છે એવુ કહેવામાં આવે છે. સ્કેમના આ પાર્ટમાં ડમી ED ઓફિસરની એન્ટ્રી થાય છે. આ ડમી ED ઓફિસર વ્યક્તિ પાસેથી છેલ્લા છ મહિનાના બેન્ક ટ્રાન્ઝેક્શનની વિગત માંગે છે અને જ્યાં સુધી તે તમામ માહિતી ન આપે ત્યા સુધી વીડિયો કોલ કટ કરવાની ના પાડે છે અને જો કોલ કટ થયો તો પોલીસ તેના ઘરે આવશે એવી ધમકી આપે છે. EDના નામથી ડરીને ભોગ બનનાર વ્યક્તિ તેની બેન્ક સંબંધિત તમામ માહિતી તેને આપી દે છે અને 15-20 મિનિટમાં જ ગઠિયાઓ એકાઉન્ટ ખાલી કરી નાખે છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતાં શિક્ષિકા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યાં હતાં. સાઇયબર માફિયાએ તેમને 4 કલાક ઉપરાંત વીડિયો કોલમાં ઊભાં રાખીને તેમના પાર્સલમાં ગેરકાયદે વસ્તુ છે, બેંક ખાતાથી મની લોન્ડરિંગ થયું છે, કાર્યવાહી થશે તેમ જણાવીને રૂા.1 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા. કપુરાઈ પોલીસે આ મામલે ઠગાઈનો ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
જાણીતી કંપનીનાં વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા નિવૃત્ત અધિકારીને સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસનાં નામે ધમકી આપીને 1.21 કરોડ જેટલી માતબર રકમ પડાવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ હતી. તમારું ધરપકડ વોરંટ જારી થયું છે, એક કલાકમાં તમે ખાતામાં રહેલી બધી રકમ આપેલા ખાતામાં ટ્રાન્સફર કરો એમ જણાવ્યું હતું. ધરપકડ થશે તો છબી ખરડાશે એમ માનીને ભેજાબાજોએ આપેલા જુદા જુદા ખાતાઓમાં કુલ 1,21,75,000 જુદા જુદા સમયે જમાં કરાવ્યા હતા.
આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ ACP મયુરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ડિજિટલ એરેસ્ટના મોટાભાગના કિસ્સાઓમાં ભોગ બનનારને IVR કોલ કે, ફ્રી રેકોર્ડેડ કોલ દ્વારા કહેવામાં આવતું હોય છે કે, તમારો પાસપોર્ટ ગેરકાયદેસર કન્સાઈનમેન્ટમાં પકડી પાડવામાં આવ્યો છે. અને તેના માટે તમારો વેરિફિકેશન કરવું જરૂરી છે. ત્યારબાદ ભોગ બનનારને સોશિયલ અને સાયકોલોજીકલ રીતે પ્રેશર આપીને વિશ્વાસમાં લેવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ સિક્યુરિટીઝ મની તરીકે વિવિધ બેંક એકાઉન્ટમાં તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમે કોઈ ગુનો કર્યો નથી તો તમારે ગભરાવાની જરૂર નથી. પોલીસ ક્યારેય ઓનલાઇન વેરિફિકેશન કે ડિજિટલ કરતી નથી. તેના માટે ગાઈડ લાઈન છે અને બીએનએસએસ મુજબ પોલીસની કામગીરી થતી હોય છે. આ સાથે તમારા ધ્યાનમાં આવા કિસ્સા આવે તો 1930 નંબર પર ચોક્કસથી રિપોર્ટ કરવો જોઈએ.
તેઓએ ઉમેર્યું હતું કે, ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં AI જનરેટેડ વિડીયો કે ફોટો જનરેટ કરવામાં આવતા હોય છે. વોઇસ કલોનીંગથી એ વિડીયો જનરેટ કર્યો હોય છે. જેથી આવા કોઈપણ ફોટો કે વીડિયોને ધ્યાનમાં ન લેવા જોઈએ.
આ સ્કેમથી બચવા માટે શું કરી શકાય?
જ્યારે આ પ્રકારનો કોલ મળે છે ત્યારે તરત જ 1930 પર કોલ કરો અને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે કોઈપણ પોલીસ આ રીતે ડાયરેક્ટ ક્યારેય કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. આ પ્રકારની ઘટનામાં ક્યારેય પણ ભયમાં મુકાયા વગર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આવા ઠગબાજોથી બચવું જોઈએ.
કોઈપણ વ્યક્તિ જ્યારે નકલી પોલીસ ઓફિસર બનીને તમને વ્હોટ્સએપ કોલ કરે છે ત્યારે તમારે ખાસ કરીને ચેતી જવું જોઈએ અને તેઓને કહેવાનું કે, તમે જ્યાં છો અમે ત્યાં આવીએ છીએ, ત્યારે તેઓ સામેથી કોલ કાપી દેશે.
જ્યારે તમારૂ કુરિયર આવ્યું છે અને તેમાં ડ્રગ્સ છે એવો કોઇપણ કોલ આવે તો તે બાબતે ધ્યાન ન આપવું જોઈએ. આ સાથે જ જે ઠગ છે તેઓ કોઈપણ લિંક કે સ્કાઇપ જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે તો તે ન કરવું જોઈએ.
જ્યારે ઠગબાજ તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ માંગે તો તેઓને ન આપવું જોઈએ, વીડિયો KYCમાં ક્યારેય પણ તમારો ચહેરો ન બતાવો જોઈએ.
આવો કોલ આવે છે ત્યારે તેઓની તમામ માહિતી ભેગી કરી 1930 પર કોલ કરી તુરંત જાણ કરવી જોઈએ.
જ્યારે સાયબર ગઠિયાઓ તમને ઠગે તે પહેલા થયેલી ચેટ મોકલેલા ફોટોસ જે કંઈ પુરાવા હોય તેનો સ્ક્રીનશોટ લઈ રાખવો જોઈએ, જેથી તેઓ ડીલીટ કરે તો આપણે પોલીસને જાણ કરી શકીએ.
મોટાભાગના સાયબર ક્રાઇમ માટે ત્રણ બાબતો સૌથી મહત્વની અગત્યની બાબતો છે. જેમાં પ્રથમ ડર બતાવે છે, ત્યારબાદ લાલચ આપે છે. આ બાબતથી આપણે દૂર રહીએ તો આવા સ્કેમથી આપણે બચી શકીએ છીએ.