તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા છે જર્જરિત, બિલ્ડીંગ છત, દિવાલ, પિલ્લર તુટી ગયા
સરકાર દ્વારા રાજ્યમાં સારી રીતે બાળકોને શિક્ષણ આપવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ સરકારના આ દાવાઓ વારેવારે પોકળ સાબિત થાય છે. હવે વડોદરાના તાંદલજાની નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળાનો મામલો સામે આવ્યો છે. જ્યાં શાળા જર્જરિત બની ગઈ છે અને લોકો ત્યાં ભણવા માટે મજબૂર બન્યા છે.
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટના પછી પણ તંત્ર કોઈ બોધપાઠ લેવાની તૈયારીમાં હોય તેમ લાગતું નથી. વડોદરાની અનેક શાળાઓમાં હજુ ભય નીચે વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર છે. કોર્પોરેશન અને શાળા સંચાલકો એકબીજાને ખો આપી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમ વચ્ચે પણ અભ્યાસ માટે મજબૂર બન્યા છે. ત્યારે જુઓ તંત્રના વાંકે ભયના ઓથાર નીચે ભણવા મજબૂર દેશના ભવિષ્યનો આ અહેવાલ...
તુટેલી દિવાલ, તુટેલી છત, તુટેલો સ્લેબ અને ગમે ત્યારે ધરાશાયી થવાની તૈયારીમાં છે આ બિલ્ડીંગ....અને આ જ જોખમી બિલ્ડીંગ નીચે જીવન ઘડતર પાઠ શીખી રહ્યા છે દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓ...આ જર્જરિત બિલ્ડીંગ નીચે વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે, સતત ભયમાં રહે છે. પરંતુ તંત્ર અને સૌથી વિકસિત કહેવાતી 156ના પાવર વાળી મજબૂત સરકારને આ બિલ્ડીંગને નવું બનાવવામાં જાણે જરા પણ રસ જ નથી. સરકાર અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે.
વડોદરાના તાંદલજામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલને 20 દિવસ પહેલા જ કોર્પોરેશને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે. કોર્પોરેશને આ બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે નોટિસ ચીપકાવી દીધી છે. પરંતુ બિલ્ડીંગ ખાલી કરવાથી વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યનું શું થશે તેની જરા પણ ચિંતા નથી. શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી જ ભયના ઓથાર નીચે પણ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય લેવા માટે મજબૂર છે.
આ પણ વાંચોઃ દિવ્ય દરબારમાં ભક્તે બાબાને ફેંકી ચેલેન્જ : બાબાએ ચીઠ્ઠીમા નામ ન ખોલતા થઈ તડાફડી
કોર્પોરેશને નોટિસ આપી છે. પરંતુ શિક્ષણકાર્ય ચાલુ છે. આ મામલે શાળાના આચાર્યને પૂછ્યું તો તેમણે કહ્યું કે, જો શાળા બંધ કરી દઈએ તો શૈક્ષણિક કાર્યનું શું થાય?...શિક્ષણના ભોગે આખી શાળા તો બંધ ન કરી શકાય. તો ઉદાસિન તંત્ર સામે વિપક્ષ પણ સવાલ કરી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે કે શું વડોદરા કોર્પોરેશન વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
કોર્પોરેશન બિલ્ડીંગ ખાલી કરવાનું કહી રહ્યું છે. તો શાળાના આચાર્ય શૈક્ષણિક કાર્ય બગડશે તેવું કારણ આગળ ધરે બિલ્ડીંગ ખાલી કરવા તૈયાર નથી. આ બન્ને વચ્ચે શાળાના બાળકો ભય વચ્ચે ભણવા માટે મજબૂર છે. બિલ્ડીંગ ખાલી કરી દેવું અઘરી વાત નથી. એક જ દિવસમાં ઈમારત તો ખાલી થઈ શકે. પરંતુ જે વિદ્યાર્થીઓ ભણે છે તેમનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે પણ જોવું જરૂરી છે. ત્યારે આશા રાખીએ કે, તંત્ર જલદી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે અને ત્વરિત આ જર્જરિત શાળાનું બિલ્ડીંગ નવું બનાવી આપવમાં આવે. જોવું રહ્યું કે, ક્યારે આ કામ થાય છે.