નરેન્દ્ર ભુવેચિત્રા/તાપી : ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને ફીના ધોરણ ઊંચા છે તે મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો કરી હતી. સાથે જ ગુજરાતની શિક્ષણ નીતિ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે તગડી શિક્ષણ ફીની વસૂલવાની પ્રથાની વરવી વાસ્તવિકતા સામે આવી છે.  તાપીમાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં એક મજબૂર પિતાએ આપઘાતનો રસ્તો અપનાવ્યો છે. પિતાએ જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે. મૃતક બકુલભાઈની દીકરી કોલેજમાં અભ્યાસ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં એક તરફ કન્યા કેળવણીની વાતો થાય છે, તો બીજી તરફ, તાપીમાં દીકરીના અભ્યાસની ફીની ચિંતામાં પિતાએ વિષપાન કર્યું છે. વાલોડના ગોડધા ગામમાં આ ઘટના બની છે. ગોડધાના વતની 46 વર્ષીય બકુલભાઈ મગનભાઈ પટેલે દીકરીના ભણતરની ફીની ચિંતામાં જંતુનાશક દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. ગોડધા ગામે સ્મશાનથી નદી તરફ જતા કાચા રસ્તા પાસેથી બકુલભાઈનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે વાલોડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બકુલભાઈ પટેલની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે. 



બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે તેમની પુત્રી બેચરલ ઓફ આર્કિટેકમાં માલિબા કોલેજ ખાતે અભ્યાસ કરે છે. તેમનો પરિવાર ગોડધાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઇફ સ્ટાઇલમાં મકાન રાખી રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દીકરીની કોલેજ ચાલુ હતી, અને તેની ફી ભરવાની અંતિમ તારીખ હતી. પરિસ્થિતિ સારી ન હોવાથી પિતા ફી ભરી શકે તેવી સ્થિતિમાં હતા, અને આ બાબતે સતત ચિંતામાં રહેતા હતા. તેથી આ ચિંતામાં તેઓએ આત્મહત્યાનું પગલુ ભર્યું હતું.


ગુજરાતનો આ કિસ્સો આંખ ખોલતો છે. ગુજરાતમાં સારું અને સસ્તુ શિક્ષણના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. આ ઘટનાથી સરકારની કન્યા કેળવણી યોજના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.