અકસ્માત સર્જવામાં માસ્ટર છે તથ્ય પટેલ, 31 ડિસેમ્બર 2022ના જગુઆરથી શીલજમાં સર્જયો હતો અકસ્માત
અમદાવાદના નબીરા તથ્ય પટેલના એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યાં છે તે ખુબ ચોંકાવનારા છે. સામે આવી રહેલી માહિતી પ્રમાણે લાગી રહ્યું છે કે તથ્ય પટેલ અકસ્માત સર્જવા માટે જ કાર ચલાવતો હતો. તેણે સર્જેલા વધુ એક અકસ્માતની વિગતો સામે આવી છે.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારથી અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર (કુલ 10 મોત, એક વ્યક્તિનું સારવાર દરમિયાન થયું મોત) તથ્ય પટેલના નવા નવા કારનામા સતત સામે આવી રહ્યું છે. તેના પરથી કહી શકાય કે તથ્ય પટેલ તો અકસ્માત સર્જવાનો માસ્ટર માઇન્ડ છે. અમદાવાદના એસજી હાઈવે પર પૂરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જનાર તથ્ય પટેલે થોડા દિવસ પહેલા સિંધુ ભવન રોડ પર પણ થાર ગાડી સાથે અકસ્માત સર્જયો હતો. હવે આ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે.
31 ડિસેમ્બર 2022ના પણ સર્જયો હતો અકસ્માત
નબીરા તથ્ય પટેલની કુંડળી હવે ખુલી રહી છે. તેણે ભૂતકાળમાં કરેલા એક બાદ એક કારનામા સામે આવી રહ્યાં છે. હવે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, નબીરા તથ્ય પટેલે 31 ડિસેમ્બર 2022ના મોડી રાત્રે અકસ્માત સર્જયો હતો. તથ્યએ શીલજ રોડ પર જેગુઆર કાર થાંભલા પર ચઢાવી દીધી હતી. આ અકસ્માત સમયે તથ્ય તેના મિત્રો સાથે હતો. પોલીસે તપાસ કરતા આ વિગતો સામે આવી છે. જેગુઆર કંપનીમાં નો-ક્લેમ ઈન્શ્યોરન્સ તપાસમાં આ ઘટનાની વિગત સામે આવી છે. ત્યારે પણ ગાડી ઓવર સ્પીડમાં હોવાને લીધે અકસ્માત થયો હતો. જો કે કોઈ જાનહાની ન થતાં આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.
સિંધુ ભવન રોડ પર પણ અકસ્માત
હાલ એક પછી એક તથ્યના કારનામા સામે આવતા જાય છે, ત્યારે તથ્યનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં 15 દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલે દીવાલમાં કાર ઘુસાડી હોવાની વાત સામે આવી છે. સિંધુ ભવન રોડ પરના આ બનાવના હાલ CCTV સામે આવ્યા છે. જોકે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ મામલે સમાધાન થતા કેસ દાખલ થયો નહોતો.
કાર સ્પીડ પર FSL નો ખુલાસો
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ બોલ્યો હતો. તથ્ય પટેલ ખોટુ બોલતો હતો તેનો ખુલાસો FSL ના રિપોર્ટમાં થયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ની સ્પીડ પર હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે.
તથ્ય પટેલ જેલ હવાલે
કોર્ટે તથ્ય પટેલના 24 જુલાઈએ સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે તથ્ય પટેલના પિતાને પણ જેલમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube