તૃષાર પટેલ, વડોદરાઃ વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલ ધૂળધોયા મહોલ્લા ખાતે મુખ્ય રોડની બાજુમાં શ્રીજી અને તાજીયા બંનેનું બાજુ-બાજુમાં સ્થાપન કરાયું છે. શહેરના આ વિસ્તારમાં મહોર્રમ પર્વને અનુલક્ષીને તાજીયા, જ્યારે ગણેશોત્સવ પર્વે નિમિત્તે શ્રીજીનું સ્થાપન કોમી એકતાનું પ્રતીક બન્યું છે અને હાલ શહેરમાં આકર્ષણનો વિષય બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલ ધૂળધોયા મહોલ્લા ખાતે હસન હુસૈન ફ્રેન્ડ સર્કલ દ્વારા તંબુ બાંધીને તાજીયા બનાવાયા છે. આ તાજીયાના મંડપની બાજુમાં જ ભાથીજી યુવક મંડળ દ્વારા પંડાલ બનાવીને શ્રીજીની નયનરમ્ય મૂર્તિ પણ સ્થાપવામાં આવી છે. મુસ્લિમ પરિવારોથી પ્રભુત્વ ધરાવતા નાગરવાડા વિસ્તારમાં 12થી વધુ હિન્દુ પરિવારો વર્ષોથી રહે છે. 
કોમી એખલાસના વાતાવરણમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો મોટાભાગે ધાર્મિક તહેવારો સાથે ઉજવે છે ત્યારે ગણેશોત્સવ અને મહોર્રમનો પર્વ એક સાથે આવ્યો હોવાથી આ વિસ્તારમાં રહેતા બંને કોમના યુવકોએ તાજીયા અને ભગવાન ગણેશની મૂર્તિ એકસાથે સ્થાપીને કોમી એખલાસનું ઉદાહરણ પુરું પાડ્યું છે. 


ગણેશોત્સવની શરૂ થયાના બે દિવસ બાદ ચોથા દિવસે જ્યારે ચાંદ દેખાયો ત્યારે તાજીયા કમિટી દ્વારા તાજીયા બનાવીને અહીં ગોઠવવામાં આવ્યા હતા. બીજી તરફ હિન્દૂ ધર્મ સાથે સંકળાયેલા ભાથીજી યુવક મંડળના કાર્યકર્તાઓએ ગણેશોત્સવની સાથે સાથે મહોર્રમ ના પર્વને પણ ઉજવવાનું નક્કી કર્યું હતું અને તાજીયા બનાવવામાં મુસ્લિમ યુવકોને મદદ કરી હતી. 


છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો નાગરવાડા વિસ્તારમાં ભાઇચારા સાથે રહે છે. વડોદરા શહેરમાં ગમે ત્યારે કોમી તોફાન ફાટી નીકળે છે, પરંતુ અહીં રહેતા રહીશોએ ક્યારેય આવી સ્થિતી સર્જાવા દીધી નથી. બંને કોમના આગેવાનો પરસ્પર સમજૂતીથી એકબીજાને મદદ કરે છે અને સુખ દુઃખના પ્રસંગો માં સાથે રહે છે.


આ વિસ્તારમાં રહેતા મુસ્લિમ લોકો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. તેમની દુકાનો શહેરના હિન્દુ વસતી ધરાવતા વિસ્તારમાં આવેલી છે, જ્યારે તેમના આ વિસ્તારમાં હિંદુ ભાઈઓ વર્ષોથી દુકાનો ધરાવે છે. અહીં રહેતા મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું કે,   શહેરમાં ગમે તેટલી અશાંતિ સર્જાય છે, પરંતુ અહીં બંને કોમના લોકો હળીમળીને રહે છે. બહારથી આવતા અસામાજીક તત્વોને મહોલ્લામાં આવવા દેવાતા નથી. 


દેશમાં કોમી એખલાસનો સંદેશો પહોંચાડવાના હેતુ સાથે આ વર્ષે ગણોશ વિસર્જનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકો જોડાવાના છે. બીજી તરફ શુક્રવારે શહેરના સરસિયા તળાવમાં હસન હુસેન કમિટી દ્વારા બનાવાયેલા તાજીયાને ઠંડા કરવાની કામગીરીમાં મોટી સંખ્યામાં હિન્દૂ યુવકો પણ જોડાવાના છે.