મહેસાણામાં સ્કૂલમાં ફાયરિંગ કરીને શિક્ષકનું ધોળા દિવસે અપહરણ, ગામલોકોએ છોડાવ્યો
શિક્ષકની પત્નીના ભૂતપૂર્વ પતિએ તેના સાગરિતો સાથે મળીને અપહરણ કર્યું, પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહેસાણાઃ મહેસાણાના સતલાસણા તાલુકામાં આવેલા હડોલ ગામે ચાલુ શાળાએ કેટલાક શખ્સોએ ફાયરીંગ કરીને શિક્ષકનું અપહરણ કરવાની ચોકાવનારી ઘટના બની હતી. જોકે, શિક્ષકનું અપહરણ કરીને ભાગેલા શખ્સો ગામ લોકોના હથ્થે ચડી જતા તેઓને માર મારીને પોલીસને હવાલે કરાયા હતા. ગણતરીના કલાકોમાં જ અપહ્યત શિક્ષકનો છુટકારો થયો હતો.
હિતેશ પટેલ મહેસાણાના સતલાસણા તાલુકાની હડોલ ગામની પ્રાથમિક શાળામાં ઉચ્ચ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગુરૂવારે તેઓ ક્લાસમાં ભણાવતા હતા એ સમયે પાંચ શખ્સો સ્કૂલમાં બંદૂક અને તિક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યા હતા. આ લોકોએ સ્કૂલમાં ઘુસતાંની સાથે જ હવામાં ફાયરિંગ કરતાં બાળકો સ્કૂલ છોડીને ભાગી ગયા હતા. ત્યાર બાદ આ લોકો હિતેશ પટેલને બંદૂક બતાવીને માર-મારીને કારની ડેકીમાં નાખીને ફરાર થયા હતા.
[[{"fid":"180929","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
જોકે, ગામલોકોને ખબર પડી જતાં તેમણે કારનો પીછો કર્યો હતો. સદનસીબે કાર ધરોઈ નદીમાં ફસાઈ જતાં અપહરણ કરવા આવેલા લોકો ગામલોકોને હાથે ચડી ગયા હતા. ગામલોકોએ સૌથી પહેલા તો પાંચને પકડીને શિક્ષકને છોડાવી લીધા બાદ પાંચેય શખ્સોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યાર બાદ તેમની કારમાં તોડફોડ કરી હતી.
વિસનગરના ડીવાયએસપી જયેન્દ્રસિંહ વાઘેલાએ આ ઘટના અંગે જણાવ્યું કે, શિક્ષકની પત્નીના અગાઉ ભાવેશ પટેલ નામના શખ્સ સાથે લગ્ન થયા હતા. તેની સાથે દસેક વર્ષના લગ્નજીવન બાદ ખટરાગ થતાં તેણે છુટાછેડા લીધા હતા અને શિક્ષક હિતેશ પટેલ સાથે લગ્ન કર્યા હતા. પૂર્વ પતિ ભાવેશ સાથેના લગ્ન દરમિયાન તેમને 10 વર્ષનો પુત્ર જન્મ્યો હતો, જે શિક્ષકની પત્ની તેના પૂર્વ પતિ પાસે જ મુકીને આવી હતી.
આ બાબતની અદાવત રાખીને ભાવેશ પટેલ અને તેના ચાર મિત્રો ગોસ્વામી અજયગીરી, યશવંતસિંહ, સોલંકી જગદીશભાઈ અને વિજય ગીરીએ હિતેશ પટેલના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. તેઓ હડોલ પ્રાથમિક શાળામાં ઘસી આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
જોકે, ગામલોકોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે હિતેશ પટેલની ફરિયાદને આધારે પાંચેય શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.