શિક્ષકે વિદ્યાર્થીને માર મારીને કહ્યું, ઘરે કશું પણ કહીશ તો તારા સર્ટિફીકેટ ઉપર લાલ સેરો મારી દઈશ
અમદાવાદના નવા નરોડા પ્રાથમિક શાળા નંબર-1 અને 2 માં શિક્ષિકાએ ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચડી હતી. આ મામલે પરિવારજનોએ શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના નવા નરોડા પ્રાથમિક શાળા નંબર-1 અને 2 માં શિક્ષિકાએ ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચડી હતી. આ મામલે પરિવારજનોએ શિક્ષિકા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
નરોડા પ્રાથમિક શાળા નંબર 1-2ના શિક્ષિકા કૃપાબેન દ્વારા એક 13 વર્ષીય કિશોરને માર મરાતા બાળકની હાલત ગંભીર બની હતી. જેના પગલે કિશોરને લગભગ ત્રણ જેટલા ડોકટરો પાસેથી સારવાર લેવાનો વારો આવ્યો છે. શરૂઆતના તબક્કામાં શિક્ષિકાના ડરથી કિશોરના વાલીઓને એવું જણાવાયું હતું કે, તે રમતા રમતા સ્કૂલમાંથી પડી ગયો હતો. બાળકના આવા રટણ પાછળનું એક કારણ એ પણ હતું કે, શિક્ષિકા કૃપાબેન પટેલ દ્વારા તેને ધમકાવાયો હતો કે, ઘરે કશું પણ કહીશ તો તારા સર્ટિફીકેટ ઉપર લાલ સેરો મારી દઈશ. શિક્ષકના આ શબ્દોથી ગભરાઈ ગયેલા બાળકે ત્રણ દિવસ સુધી સમગ્ર હકીકત પોતાના માતા-પિતા ને જણાવી ન હતી. પરંતુ આંખમાં બાળકને વધુ દુખાવો થતા આ સમગ્ર મામલે બાળકે પોતાના માતા પિતા સમક્ષ સમગ્ર વાત રજૂ કરી હતી.
શિક્ષકના મારને લીધે હવે વિદ્યાર્થીને આંખમાં મોતિયો આવી ગયો હોવાની વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે શિક્ષિકાના આ પ્રકારના કૃત્યથી શિક્ષણ જગત પર એક ડાઘ લાગ્યો છે. પણ નવાઈની વાત એ છે કે શિક્ષિકા દ્વારા માર મરાયા બાદ શિક્ષિકાએ વિદ્યાર્થીને ધમકાવ્યો હોવાનો દાવો પરિવારજનો કરી રહ્યા છે. શિક્ષિકા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે "જો કોઈને જાણ કરીશ તો તારી સારવાર નહીં કરવીએ"
શરમજનક બાબત અહીં એ છે કે આટલી ગંભીર બાબતમાં શાળા સંચાલકો અને પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા હજી સુધી આ બાબતને લઈને લેવાંમાં આવ્યા નથી. અવાર-નવાર આવા કિસ્સા શહેરોમાં બનતા આવ્યા છે. ત્યારે આવા કિસ્સાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી પરિવારજનોની અપીલ છે. આ સમગ્ર બાબતે હવે એ જોવાનું છે કે પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે.