મારી સાથે જે ઘટના બની તે બીજી દીકરીઓ સાથે નહીં બનવા દઉં! સ્લમ વિસ્તારમાં સેલ્ફ ડિફેન્સ!
Happy Teachers Day: આજે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ. આજના દિવસે એક એવા શિક્ષકને યાદ કરીએ જે સ્લમ વિસ્તારની દીકરીઓને ભણાવે છે આત્મરક્ષાનો પાઠ. એક દિકરી બીજી 100થી વધુ ગરીબ દિકરીઓને બનાવી રહી છે સક્ષમ.
ચેતન પટેલ, સુરતઃ મારી સાથે જે ઘટના બની છે ત્યારબાદ હવે દરેક દીકરીઓને સેલફ ડિફેન્સ શીખવી રહી છું.. આ વાક્ય એક અનાથ દીકરીના છે. શિક્ષણ આપનાર તો ગુરુ કહેવાય છે પરંતુ આજ ના યુગમાં છેડતી તેમજ રેપ જેવી ઘટનાઓ દીકરીઓ સાથે બનતા અટકાવવા માટે 100 થી વધુ દીકરીઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપી તેમની ગુરુ માતા બની છે.
સામાન્ય રીતે જે કારકિર્દી દરમિયાન શિક્ષણ આપતું હોય છે તેવા લોકોને ગુરુ તરીકે પૂજવામાં આવતા હોય છે પરંતુ સુરતમાં એક એવી દીકરી છે જે શિક્ષણ નહિ પરતું સલ્મ વિસ્તારની દીકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવી તેમના માટે ગુરુ માતા તરીકે પણ ઓળખાય છે. વાત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી માયાની. માયા ના પપ્પા વર્ષ 2002માં મૃત્યુ પામ્યા હતા અને માતા વર્ષ 2016માં મૃત્યુ પામતા તે અનાથ નું જીવન જીવતી હતી.
માયા જ્યાં રહેતી હતી તે વિસ્તાર સલ્મ હતો. દરમિયાન માયા સાથે એક એવી ઘટના બની ગઈ હતી કે તેને પોતાની સુરક્ષા ની સાથે અન્ય દીકરીઓ પણ પોતે જાતે સુરક્ષા કરી શકે તેવું આયોજન કર્યું હતું. માયાએ પોતે એન.સી.સી કેડર ની ટ્રેનીંગ લીધી હતી. બાદમાં તેને પાંડેસરા સલ્મ વિસ્તારની દીકરીઓ જાતે સેલ્ફ ડિફેન્સ થી પોતાનું રક્ષણ કરી શકે તે માટે ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું.
ગર્લ્સ હોસ્ટેલ માં વોર્ડન તરીકેની નોકરી ની સાથે બાળકીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના સમયે 10 જેવી દીકરીઓ તેને ત્યાં ટ્રેનિંગ લેવા માટે આવતી હતી પરંતુ ધીરે ધીરે આ સંખ્યા વધીને સીધી 100 ઉપર પહોંચી હતી. આ દીકરીઓને સેલ્ફ ડિફેન્સની સાથે ગુડ ટચ અને બેડ ટચ ના પણ પાઠ ભણાવવામાં આવે છે. માયાએ 100થી વધુ દીકરીઓને એવી સક્ષમ કરી દીધી છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળશે. આજે આ દીકરીઓ માટે માયા ગુરુ માતા તરીકે ઓળખાય છે.