ગોધરાકાંડ બાદ અહેમદ પટેલના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો
Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે.
Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. કોર્ટમાં 12 પાનાના એફિડેવિટમાં સરકાર પાડવા માટે મોટુ ષડયંત્ર રચ્ચું હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ખાસ સરકારી વકીલ અમિત પટેલ દ્વારા આ સોંગદનામું રજૂ કરાયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તિસ્તા સેતલવાડ દ્વારા રૂપિયા મંગાવ્યા અને આર્થિક લાભ લીધો. કોગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતના તત્કાસિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખોટી રીતે સંડોવણી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ષડયંત્રને કારણે તિસ્તા સેતલવાડ, શ્રી કુમારને જામીન ન આપવા રજુઆત કરી.
તમને જણાવી દઈએ કે, સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે, 15 જુલાઈએ તિસ્તા સેતલવાડની જામીન અરજી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી SITની એફિડેવિટમાં એક મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારે ખોટા કાગળ બનાવી કાયદા સાથે રમત કરવા બદલ ધરપકડ બાદ તિસ્તા દ્વારા અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.
સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખતમાં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી.
સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડે કથિત રીતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજ્યમાં અનેક અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા અને તેમની સામે કાર્યવાહી કરવા રાજકીય પક્ષ પાસેથી નાણાકીય અને અન્ય વિવિધ લાભો મેળવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ વર્ષે 25 જૂને અમદાવાદમાં નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણો સાથે સંબંધિત કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને અન્યને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.
અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લીધાનો આરોપ
આજે જામીન માટેની સુનાવણી દરમિયાન આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.
SITની તપાસ હજુ ચાલુ
SITએ તિસ્તાને જામીન ન આપવા માટે એફિડેવિટ રજૂ કરી હતી. જ્યારે, SITએ દાવો કર્યો છે કે તિસ્તાના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને બદનામ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિસ્તા સેતલવાડ સામે SITની તપાસ હજુ ચાલુ છે, જેના કારણે તે સાક્ષીને ધમકી આપી શકે છે. અને પુરાવાને ટેમ્પર કરી શકે છે. જેના કારણે તિસ્તાને જામીન ન આપવા જોઈએ.
તિસ્તા સેતલવાડના નજીકના સાથી રઈસ ખાને તાજેતરમાં દાવો કર્યો હતો કે જ્યારે અમે તેમની સામે ફરિયાદ કરી હતી ત્યારે ધરપકડ અગાઉ થવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે, તિસ્તા જેવા લોકો જેઓ વિક્ટિમના નામે પૈસા લાવે છે, ખાઈ જાય છે અને પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે, વિક્ટિમ સાથે જે વિશ્વાસઘાત થયો છે તેને વિક્ટિમ માફ નહીં કરે. રઈસે વધુમાં જણાવ્યું હતું કે તિસ્તાએ પીડિતા સાથે છેતરપિંડી કરી હતી. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કર્યું અને તેનો એક ટકા પણ પીડિતને આપ્યો નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube