કચ્છની જેમ ગુજરાતના આ શહેરમાં પણ બનશે ટેન્ટ સિટી, મોટું ડેવલપમેન્ટ આવી રહ્યું છે
Tent City At Dharoi Dam : ધોરડો અને ધોળાવીરાની જેમ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા વડનગર નજીક ધરોઈમાં ટેન્ટસિટી ઊભી કરાશે... ગુજરાતના નક્શા પર હવે ઉત્તર ગુજરાતનું ટુરિઝમ ચમકશે
Dharoi Dam Development Project : રાજ્ય સરકારે ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ ગુજરાત અને ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રવાસીઓને આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડવાનું કામ કરશે અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર બનનારા આ બ્રિજના પ્રોજેક્ટના નકશા-અંદાજો ધરોઈ ડેમને વૈશ્વિક કક્ષાના પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવાની કામગીરીની વિવિધ જોગવાઈઓને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે હવે એક મોટું ડેવલપમેન્ટ સામે આવ્યું છે. ગુજરાતના ધરોઈ ડેમ પાસે પણ ભવ્ય ટેન્ટ સિટી બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે.
ધરોઈ ડેમનો વિસ્તાર ચકાચક બની જશે
ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ અહી વિકાસકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં જોડશે. સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં અમલી બનશે. આ પ્રકલ્પમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્ફીથિયેટર, રિવરએજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મ આકર્ષણો હશે.
અહી ટેન્ટ સિટી પણ બનશે
ગુજરાત સરકારે 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટસિટી ઊભી કરવાની જાહેરાત કરી હતી. અંદાજે 15થી 17 હજાર ચોરસ મીટર જગ્યામાં ડેમ વિસ્તારમાં 15 ટેન્ટ સાથે ટેન્ટસિટી ઊભી કરવાનું આયોજન કરાયું છે.
ટેન્ટ સિટીમાં શું શું ફેસિલિટી હશે
- 2થી 3 વ્યક્તિ એક ટેન્ટમાં રહી શકે તેવા 12 એસી પ્રીમિયમ, લક્ઝરી ટેન્ટ અને એક સાથે 6 વ્યક્તિ રહી શકે તેવા 3 ડોરમેટરી ટેન્ટ હશે.
- એસી વીવીઆઈપી ડાઇનિંગ હોલ, રિસેપ્શન, વેઇટિંગ એરિયા, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ અને લાઇટિંગ, આર્ટિસ્ટ માટે એસી ગ્રીનરૂમ, મેડિકલ ઈમરજન્સી રૂમ, સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે જરૂરી બેઠક વિસ્તાર, પાર્કિંગ, પ્લાન્ટેશન સહિતની સુવિધાઓ ઊભી કરાશે.
- ટેન્ટ સિટીમાં પ્રવાસીઓને રહેવા-જમવા સાથે પૅકેજની વ્યવસ્થા પણ હશે, જેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું પણ આયોજન છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના રણમાં આવેલા ધોરડો અને ધોળાવીરા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટીને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીમાં ફરવા આવનારો વર્ગ મોટો છે. તેથી ધરોઈને ગ્લોબલ પ્રવાસીઓના આકર્ષણ સ્થળ તરીકે લોકપ્રિય બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટસિટી ઊભી કરવા ટેન્ડરિંગ પણ કરી દેવાયું છે.
એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ધરોઈ ડેમને તેના આસપાસના વિવિધ પ્રવાસન અને યાત્રાધામ તારંગા ટેમ્પલ, પોળો ફોરેસ્ટ અને અંબાજી મંદિરને જોડવાનું કામ કરશે તેથી સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.