અમદાવાદ : શહેરમાં આજે આગ લાગવાનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેયાલા પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ ભડકી હતી. એક વાહનમાં લાગેલી આગ જોત જોતામાં અન્ય વાહનોમાં ફેલાવા લાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પવન પણ વધારે હોવાનાં કારણે આગની ઝપટે વધારે વાહનો ચડ્યા હતા અને એક પછી એક 36 વાહનોમાં આગ લાગી હતી. જો કે જાગૃત નાગરિકના કારણે આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકી નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાગૃત નાગરિકનાં કોલને પગલે ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગ પણ તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો. જેના પગલે 600 જેટલા વાહનો આગમાં ખાખ થતા બચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ સૌથી પહેલા આગની સૌથી નજીકના વાહનો ખસેડી લીધા હતા. જેના કારણે આગ કાબુમાં આવી હતી. ત્યાર બાદ જેટલા વાહનોમાં આગ લાગેલી હતી તેના પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. 


અત્રે નોંધનીય છે કે, અમદાવાદના ગોતા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા પ્લોટમાં મોટા પ્રમાણમાં લોકો પાર્કિંગ કરે છે. ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર અધિકારીના અનુસાર બોડકદેવના ફાયર અધિકારી સહિતનો સ્ટાફ તત્કાલ 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યો અને 600 જેટલા વાહનો આગમાં ખાક થઇ જતા બચી ગયા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. સ્થાનિક વ્યક્તિઓ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં ગોતામાં આગનો ફોન આવતા જ બોડકદેવ અને થલતેજની ફાયર ટીમ તત્કાલ રવાના થઇ હતી. 


ફાયરની ગાડી પહોંચી ત્યારે 30 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આગની ઝપટે ન આવે તે માટે બાકીના વાહનોને ફાયર જવાનોએ ખસેડી લીધા હતા. જેના કારણે આશરે 600 જેટલા વાહનો બચી ગયા હતા. જો કે આગ લાગવા અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો ફાયર અધિકારી પેટ્રોલ લીક થવાનાં કારણે અથવા તો ખુલ્લા તારમાંથી શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે.