નિર્દોષોના લોહી વહાવનારા નરરાક્ષસ આતંકવાદીઓ પોતાની સજા સાંભળી રડી પડ્યાં
- નિર્દોષોનું લોહી વહાવનારા આતંકવાદીઓને સજા સંભળાવી ત્યારે રડી પડ્યાં, અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસનો ચુકાદો
અમદાવાદ : શહેરને 26 જુલાઈ, 2008ના રોજ આતંકીઓ દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટના આરોપીઓને આજે કોર્ટે કડકમાં કડક સજા ફટકારી છે. દેશનાં ઇતિહાસમાં એક સાથે આટલા મોટા પ્રમાણમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. 49માંથી 38ને ફાંસીની અને 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી છે.
18 ફેબ્રુઆરીની સવારના 11 વાગ્યે જજે ચુકાદો આપવાની શરૂઆત કરી હતી. આ સમયે સાબરમતી જેલમાં પુરાયેલા કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા. જેમ જેમ કોર્ટનો ચુકાદો આગળ આવતો ગયો તેમ તેમ આરોપીઓ ઢીલા પડવા લાગ્યા હતા અને ચુકાદો આવ્યા બાદ તેઓ રડવા લાગ્યા હતા.
અનેક નિર્દોષોના જીવ લઇ લેનારા આરોપીઓને જ્યારે પોતાને સજા થઇ ત્યારે રડવા લાગ્યા હતા. અનેક દોષીતોએ તો જાહેરાત થતાની સાથે જ રોવાનું ચાલુ કર્યું. કેટલાક માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જો કે મોટા ભાગના ચહેરા પર પસ્તાવો પણ જોવા મળ્યો નહોતો.
સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર જેલ સિપાહી અને સ્થાનિક પોલીસનો જ્યારે જ્યાં દોષિતોને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં જોડવામાં આવ્યા હતા ત્યાં SOG અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ દ્વારા સતત તમામ દોષિત પર નજર રાખવામાં આવી રહી હતી. કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, વધુ ઇજાગ્રસ્તને 50 હજાર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.