સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોરનો વિરોધ, ઠાકોર સેનાએ કહ્યું-બેઠક ખાલી કરો
Gujarat Elections 2022 : ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી સમયે જે વચન આપ્યું હતું તે ન પાળતા અને આ બેઠક પર ફરી ચંદનજી ઠાકોરને કોગ્રેસ દ્વારા રિપીટ કરવાનાં હોઈ ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો
પ્રેમલ ત્રિવેદી/પાટણ :ઉત્તર ગુજરાતની બે બેઠકો પર વિધાનસભાની ચૂંટણી પહેલા જ ધમાસાણ મચ્યું છે. રાધનપુર બેઠક પર અત્યારથી જ અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે. તો સિદ્ધપુર બેઠક પર ચંદનજી ઠાકોરને જાકારો મળી રહ્યો છે. બંને બેઠકો પર જે-તે પાર્ટીના ઉમેદવારોને ફરી ટિકિટ ન આપવા માટે સંમેલનો યોજાયા છે. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પહેલા રાજકારણ ગરમાવવા પામ્યું છે. આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે અને હાલના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણી સમયે જે વચન આપ્યું હતું તે ન પાળતા અને આ બેઠક પર ફરી ચંદનજી ઠાકોરને કોગ્રેસ દ્વારા રિપીટ કરવાનાં હોઈ ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે મુદ્દે 36 ગામ ક્ષત્રિય જાગીરદાર સમાજની આજે બેઠક મળી છે અને તેમા આગામી રણનીતિ નક્કી કરાશે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ટિકિટ લેવા માટે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે આજે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર આજે 36 ગામ ક્ષત્રિય જાગીરદાર સમાજની બેઠક મળી છે. ગુજરાતી ક્ષત્રિય ઠાકોર સેના (GKTS) ના પ્રમુખ જીભાજી ઠાકોર દ્વારા આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેનો મુદ્દો ચંદનજી ઠાકોરને રિપીટ ન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી સમયે જીભાજી ઠાકોરની ટિકિટ કપાઈ હતી અને કોગ્રેસમાંથી ચંદનજી ઠાકોર સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ટિકિટ લઈને આવ્યા હતા. જેને લઈને સ્થાનિક આગેવાનોમાં ચંદનજી ઠાકોર સામે રોષ જોવા મળ્યો હતો. તે સમયે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સમાજને વચન આપ્યું હતું કે વર્ષ 2022 ની સિદ્ધપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી નહિ લડે. 2022 માં તેઓ સીટ ખાલી કરશે. ઼
આ પણ વાંચો : કેજરીવાલનો જન્મ તો બદલાતો રહે છે... કંસવાળા નિવેદન પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ
ત્યારે ચંજનજી ઠાકોરે સમાજને આપેલું વચન પાળ્યું નથી. તે વચન હવે ધારાસભ્ય ફોક કરી રહ્યા છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. જેથી સમાજ હવે નારાજ થઇ આ સંમેલન થકી આગામી રણનીતિ નક્કી કરાશે. ત્યારે સિદ્ધપુર ખાતે યોજાયેલા 36 ગામ ક્ષત્રિય જાગીરદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં જીબાજી ઠાકોરે સિદ્ધપુર કોંગ્રેસ MLA ચંદનજીએ આપેલ વચન નિભાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આ માંગણી નહિ સ્વીકારાય તો છાતી ઠોકીને કહું છું કોંગ્રેસનો સફાયો થઈ જશે. કાંકરેજ, ડીસા, સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, બહુચરાજી અને ખેરાલુ બેઠક પર કોંગ્રેસનો સફાયો થશે.
આમ, જીબાજી ઠાકોરના સ્ફોટક નિવેદનથી પાટણનું રાજકારણ ગરમાયુ છે. તો બીજી તરફ, આ બેઠક પર ફરી ચંદનજી ઠાકોરને કોગ્રેસ દ્વારા રિપીટ કરવાનાં હોઈ ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.