અમદાવાદ: રવિવારે ચેરિટી વોકમાં ઉભું કરાશે કાર્નિવલ જેવું વાતાવરણ, રૂ.7.33 કરોડ એકત્ર કરાયા
4 કી.મી.ની વૉક અથવા તો 7.5 કી.મી.ની દોડમાં સામેલ થઈ શકાશે. તેના રૂટ હેઠળ શહેરના જે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે તેમાં પીઆરએલ રોડ, એલડી આર્ટસ કોલેજ, આઈઆઈએમએ ફ્લાયઓવર, એએમએ, પાંજરાપોળ, પાસપોર્ટ ઓફિસ અને બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
અમદાવાદ: : લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ કેળવવા અને લોકોની ભાગીદારી વડે ભંડોળ ઉભુ કરવા 18મી વાર્ષિક મોટીફ ટીટીઈસી ચેરીટી વૉક 2020 અમદાવાદમાં તા.23 ફેબ્રુઆરી, 2020ના રોજ યોજાઈ રહી છે. આ વૉકનો પ્રારંભ એલડી એન્જીનિયરીંગ કોલેજથી થશે. તેમાં 4 કી.મી.ની વૉક અથવા તો 7.5 કી.મી.ની દોડમાં સામેલ થઈ શકાશે. તેના રૂટ હેઠળ શહેરના જે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે તેમાં પીઆરએલ રોડ, એલડી આર્ટસ કોલેજ, આઈઆઈએમએ ફ્લાયઓવર, એએમએ, પાંજરાપોળ, પાસપોર્ટ ઓફિસ અને બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.ભંડોળ સીધુ પસંદગીની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ માટે એકત્ર કરવામાં આવશે.
ટીટીઈસીના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર, ઈન્ડિયા, કૌશલ મહેતા જણાવ્યું હતું કે “અમે વાર્ષિક મોટીફ-ટીટીઈસી ચેરિટી વૉકની સતત 18મી એડિશન રજૂ કરી રહ્યા છીએ. ભારતમાં આ સૌથી જૂની અધિકૃત વૉક, દોડ, સાયક્લીંગ ઈવેન્ટ છે અને અમને તેમાં સામેલ થનાર અને દાતાઓનો જે પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થયો છે તેનાથી અમે અત્યંત આનંદિત છીએ. 4000 થી વધુ લોકોની સામેલગિરી સાથે ચાલવુ/ દોડવું તે અદ્દભૂત બાબત છે.
એના રૂટમાં અમે ચાર સ્કૂલ બેન્ડ, ઊંટ ગાડામાં ટીટીઈસી ચિયર્સ લીડર્સ, ડ્રમર્સ, ગિટારીસ્ટસ, ચિયરીંગ વોલેન્ટીયર્સ તથા નૃત્ય અને ગેમ્સનો સમાવેશ કરાયો છે. આ બધા દ્વારા એક કાર્નિવલ જેવું વાતાવરણ ઉભુ થશે. અમે આરોગ્ય અંગે જાગૃતિ ઉભી કરીને વંચિત લોકો માટે ભંડોળ એકત્ર કરવામાં સહાયરૂપ થતી આ દોડમાં નામ નોંધાવીને જોડાવા અને આ ઉજવણીનો હિસ્સો બનવા લોકોને અનુરોધ કરીએ છીએ. આપણે બધાં સાથે મળીને તફાવત સર્જીશું.”
18મી વાર્ષિક ચેરિટી વૉકની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ નીચે મુજબ છેઃ
અનુસંધાન- અમદાવાદના શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારો માટે કામ કરે છે અને મહિલાઓ તથા ભણતા બાળકોને નવતર પ્રકારના પગલાં દ્વારા કલા, રમતો અને પ્રવાસના માધ્યમથી શિખવામાં સહાય કરે છે.
કર્મા ફાઉન્ડેશન- શૈક્ષણિક અને બાળકોના આરોગ્ય, ઘરવિહોણા લોકોને પુનઃવસવાટ, સ્થાનિક સાહિત્ય અને આરોગ્યલક્ષી જાગૃતિ પેદા કરતી સંસ્થા છે.
શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ- 1912માં સ્થપાયેલ આ ટ્રસ્ટ શેઠ સીએન વિદ્યાવિહાર સંસ્થા ચલાવે છે, જે ટેકનિકલ, રમતલક્ષી અને સાંસ્કૃતિક શિક્ષણ પૂરૂ પાડે છે.
વિચરતા સમુદાય સમર્થન મંચ - વિચરતી અને ડી-નોટિફાઈડ જાતિઓને નાગરિકતા અધિકારો, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ, આવાસ અને આજીવિકાનો સહયોગ પૂરો પાડવામાં સહાય કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube