જયેન્દ્ર ભોઇ/ગોધરા : શામલી બેટીયાના જંગલમાંથી યુવકનો મૃતદેહ હત્યા કરી ફેંકી દીધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ગોધરાના હયાતની વાડી વિસ્તારમાં રહેતાં ૩૩ વર્ષીય યુવકની બાઈક મોડી રાત્રે દરૂણીયા પાસેથી મળી આવ્યા બાદ સવારે જંગલમાંથી મૃતદેહ મળી આવતાં જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોધરા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં જ મૃતકના સ્વજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે મૃતક વાહનોના સ્પેર પાર્ટ્સની દુકાન ધરાવતો હતો. જેથી ક્યાં સંજોગોમાં હત્યા કરવામાં આવી જેનું રહસ્ય અકબંધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા શહેરના હયાતની વાડી વિસ્તારમાં રહેતાં ૩૩ વર્ષીય મોહંમદ હનીફ દસ્તગીર બદામ શુક્રવારે સાંજે પોતાના ઘરેથી બાઈક લઈ નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત સુધી ઘરે નહિં પહોંચતા તેના સ્વજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ આદરી હતી. દરમિયાન બીજી તરફ પેટ્રોલીંગ પોલીસને દરૂણીયા પાસેથી એક બિન વારસી હાલતમાં બાઈક મળી આવી હતી. જે પોલીસે બી ડીવીઝન પોલીસ મથકે લઈ જઈ મૂકી હતી. દરમિયાન મોહમદના સ્વજનો શોધખોળ કરતાં કરતાં પોલીસ મથકે ગયા હતા. દરમિયાન પોલીસે એક બાઈક બિન વારસી હાલતમાં મળી આવી હોવાની જાણકારી આપતાં જ સ્વજનો બાઈક મોહંમદની જ હોવાનું જણાય આવ્યું હતું. 


જેથી સ્વજનોએ ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ પોલીસને પણ રાહદારી મારફતે શામલી જંગલમાંથી પસાર થતાં આરસીસી રોડની બાજુમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ગોધરા ડીવાયએસપી અને  તાલુકા પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ શરૂ કરી હતી. દરમિયાન જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ગોધરા તાલુકા પોલીસે એફએસએલ સહિતની મદદ લઇ હત્યાનો ગુનો નોંધી એક જ વ્યક્તિએ હત્યા કરી કે અન્ય કોઈ સાથે હતા? ક્યાં હથિયારનો ઉપયોગ કરાયો ? કેવી રીતે ત્યાં સુધી લઈ જવામાં આવ્યો, યુવકના મોબાઈલનું એનાલિસિસ અને કેટલાક વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસણી  સહિતની  તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube